હું ભલે ફેમસ લોકો સાથે કામ કરું, પરંતુ મારે એ નથી ભૂલવું કે સામાન્ય વ્યક્તિને પણ ફિલ્મમાં દેખાડવાની છે
મુંબઈ
વિક્રાન્ત મૅસીનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે તેને જે પણ પ્રિવિલેજ મળ્યો છે એનો તે ગેરલાભ નથી લેવા માગતો. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ‘12th ફેલ’ની ખૂબ પ્રશંસા થઈ હતી. વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઑફિસર મનોજ કુમાર શર્માની રિયલ લાઇફ પર આધારિત છે. આ ફિલ્મમાં મનોજના રોલમાં જોવા મળેલા વિક્રાન્તને ભવિષ્યમાં હજી વિધુ વિનોદ ચોપડા સાથે કામ કરવું છે. પ્રિવિલેજ વિશે વિક્રાન્ત મૅસી કહે છે, ‘હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની બહારથી આવ્યો છું. આજે મારું માનવું છે કે એક ઍક્ટર તરીકે મને જે પ્રિવિલેજ મળ્યો છે એનો હું દુરુપયોગ ન કરું. હું ભલે ફેમસ લોકો સાથે કામ કરું, પરંતુ મારે એ નથી ભૂલવું કે મારે સામાન્ય વ્યક્તિને પણ ફિલ્મમાં દેખાડવાની છે. ફિલ્મ શક્તિશાળી માધ્યમ છે. એક કલાકાર તરીકે હું પોતાને બાંધી નથી રાખવા માગતો, પરંતુ સાથે જ મને મળેલી પ્રસિદ્ધિનો હું ગેરલાભ નથી લેવા માગતો. આજે હું આ સ્થાને પહોંચ્યો છું તો એવું નથી વિચારતો કે હવે પૈસા માટે કંઈ પણ કામ કરી લઉં. મારા સ્વભાવમાં આ વસ્તુ નથી. પ્રામાણિકતા અને મહેનત આજે પણ એટલી જ છે જેટલી પહેલાં હતી.’