નેતા તરીકે નરેન્દ્ર મોદી હજીયે અજેય રહ્યા
નવી દિલ્હી
દેશમાં ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે, 2014, 2019ની સંપૂર્ણ બહુમતીના જાદુઈ આંકડાને સ્પર્શવામાં સફળ રહેલ ભાજપ આ ચૂંટણીમાં તેનો જાદૂ જાળવવામાં નિષ્ફળ રહી. આ વખતે ભાજપે ટીડીપી અને જેડીયુ સાથે મળીને સરકાર ચલાવવી પડશે.
સૌથી મોટી વાત એ છે કે 2002થી અત્યાર સુધી જ્યારે પણ નરેન્દ્ર મોદી સીએમ કે પીએમ હતા ત્યારે ભાજપને બહુમતી મળી છે. વર્ષ 2002, 2007 અને 2012માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી હતી. આ પછી વર્ષ 2014 અને 2019માં ભાજપને લોકસભા ચૂંટણીમાં બહુમતી મળી હતી.
આવું પહેલીવાર થઈ રહ્યું છે કે મોદીના નેતૃત્વમાં ભાજપ પોતાના દમ પર બહુમતના આંકને સ્પર્શવામાં નિષ્ફળ રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો મળી હતી, વર્ષ 2019માં પાર્ટીને 303 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે તે માત્ર 240 બેઠકો મેળવી શકી હતી.
જો કે સૌથી મોટી વાત એ છે કે નરેન્દ્ર મોદી છેલ્લા 23 વર્ષથી સત્તા પર છે. નરેન્દ્ર મોદીની અંગત સફળતાની વાત કરીએ તો તેઓ એક અજેય નેતા છે, જેમણે કોઈપણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો નથી. તેઓ ત્રીજી વખત વારાણસીથી સાંસદ તરીકે ચૂંટાયા છે.