બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા
કેનબરા
અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગચંપી કરવામાં આવી હતી.
તેની સાથે સાથે ખાલિસ્તાનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યુ છે. આ બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
આ સિવાય મેલબોર્નમાં આઠ જુલાઈએ ભારતીય દૂતાવાસ સુધી રેલી કાઢવાની તૈયારીઓ ખાલિસ્તાની આતંકીઓએ શરુ કરી છે. આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે મિત્ર દેશોને અપીલ કરી છે કે, ખાલિસ્તાનીઓએ પ્લેટફોર્મ આપવામાં ના આવે.
ઓસ્ટ્રેલિયામાં લગાવાયેલા પોસ્ટરોમાં રાજદૂત મનપ્રીત વોહરા અને કોન્સ્યુલર જનરલ ડોક્ટર સુશીલ કુમારના ફોટો લગાવાયા છે. જેની સાથે એક એક-47 દર્શાવાઈ છે અને પોસ્ટર પર કિલ ઈન્ડિયા લખવામાં આવ્યુ છે.
કેનેડા બાદ ઓસ્ટ્રેલિયામાં વધી રહેલી ખાલિસ્તાનીઓની હિલચાલ ભારત માટે ચિંતાજનક છે. 29 જાન્યુઆરીએ જ મેલબોર્નમાં ભારતીય સમર્થકો અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે અથડામણ પણ થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં કેટલાક મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ડો. જયશંકરે પણ કહ્યુ છે કે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો સમક્ષ પોસ્ટરો લગાડવાનો મુદ્દો ભારત સરકાર ઉઠાવશે. કારણકે આ પોસ્ટરો થકી ભારતીય ડિપ્લોમેટ્સને સીધી જાનથી મારી નાંખવાની ધમકી જ આપવામાં આવી છે. આ પ્રકારની કટ્ટરવાદી વિચારધારા ભારતના મિત્ર દેશો સાથેના સબંધો માટે સારી નથી.