રોલર કોસ્ટરમાં ફસાયેલા આઠ લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. જોકે, ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
વોશિંગ્ટન
રોલર કોસ્ટરની મજા માણવી કેટલાક શોખિનોને ભારે પડી ગઇ છે.મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વિસ્કોન્સિન ફેસ્ટિવલમાં ટેક્નિકલ ખામીને કારણે, રોલર કોસ્ટર રાઈડ દરમિયાન અચાનક જ અટકી ગઈ હતી અને માથુ નીચે અને હવામાં પગની સ્થિતિમાં જ લોકો 3 કલાક સતત આ રાઇડમાં ફસાઇ રહ્યાં હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રોલર કોસ્ટર રાઈડ દરમિયાન અધવચ્ચે જ ખરાબ થઇ ગયુ હતુ. ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો જોઈને કેટલાક લોકો રોલર કોસ્ટરની મજા માણતા પહેલા એકવાર ફરીથી ચોક્કસથી વિચારશે.
એક ટ્વિટર એકાઉન્ટ પરથી આ રાઇડનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ આ ઈમરજન્સી અમેરિકાના વિસ્કોન્સિન ફેસ્ટિવલમાં બની હતી. જ્યાં રોલર કોસ્ટર ફસાઈ જવાને કારણે આઠ લોકો ત્રણ કલાક સુધી લટકતા રહ્યા.
સ્થાનિક મીડિયા પ્રમાણે ,રોલર કોસ્ટરમાં ફસાયેલા આઠ લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. જોકે, ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક લોકો રોકાયેલા રોલર કોસ્ટરની ઉપરની એક સીટ પર બેઠા છે અને બૂમો પાડી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિ કોસ્ટર પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ઘટના અંગે સ્થાનિક ફાયર વિભાગના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ટેકનિકલ ખામીને કારણે રોલર કોસ્ટર રાઈડ દરમિયાન બંધ થઈ ગયું હતું, જેના કારણે કેટલાક લોકો હવામાં અટવાઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં 800થી વધુ લોકો જોઈ ચૂક્યા છે.