રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું ત્યારે આ દુર્ઘટના બની, ઘરમાં ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન નહોતું, ઈમારત પરથી કૂદીને એક શખ્સે બચાવ કર્યો
લાહોર
પાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બુધવારે લાહોરમાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં છ બાળકો સહિત એક જ પરિવારના દસ લોકોના મોત થયા હતા. બચાવ અધિકારીઓએ આ જાણકારી આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના લાહોરના ભાટી ગેટ વિસ્તારમાં વહેલી સવારે બની હતી. જ્યારે રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ દરમિયાન ઘરમાં ભીષણ આગ લાગી હતી જેમાં 10 લોકોના મોત થયા હતા. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે ઘરમાં ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન નહોતું.
બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, પરિવારનો એક સદસ્ય ઈમારત પરથી કૂદીને આગથી બચવામાં સફળ રહ્યો હતો. આખી ઈમારત બળીને ખાખ થઈ ગઈ છે ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જે સમયે ઘરમાં આગ લાગી તે સમયે ઘરમાં પરિવારના દસ સભ્યો હાજર હતા. જેમાં એક પુરુષ અને તેની પત્ની, અન્ય બે મહિલાઓ, પાંચ બાળકો અને સાત મહિનાનું બાળક પણ સામેલ હતું. આગમાં સળગી જવાથી 10 લોકોના મોત થયા છે.