પેટાઃ ઈરાનની ગલીઓમાં પણ આ પ્રકારના પોસ્ટરો સાથે બ્લડ ગ્રુપ, ઉેમર અને સંપર્ક માટે ફોન નંબરોનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે
તહેરાન
પાકિસ્તાનની જેમ તેનો પાડોશી દેશ ઈરાન પણ હવે આર્થિક રીતે કટોકટીનો સામનો કરી રહ્યો છે.
એટલે સુધી કે લોકો હવે પોતાની કિડની, લીવર અને બીજા અંગો વેચવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી રહ્યા છે. ઈરાનની ગલીઓમાં પણ આ પ્રકારના પોસ્ટરો સાથે બ્લડ ગ્રુપ, ઉેમર અને સંપર્ક માટે ફોન નંબરોનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.
એક અખબારના અહેવાલ પ્રમાણે આ બધુ રાજધાની તહેરાનમાં જોવા મળી રહ્યુ છે. સ્થાનિક વ્યક્તિનુ કહેવુ છે કે, મેં સોશિયલ મીડિયા પર કીડની વેચવાની જાહેરાત આપી હતી અને અગણિત લોકોએ મારો સંપર્ક કર્યો છે. આ વ્યક્તિ પહેલા કન્સ્ટ્રક્શનનુ કામ કરતો હતો પણ હવે ધંધો ચલાવવો મુશ્કેલ છે અને કિડની વેચવાનો વારો આવ્યો છે તેમ તેનુ કહેવુ છે.
આ વ્યક્તિનુ કહેવુ છે કે, મારી જેમ જે લોકો પોતાની કિડની અને લિવર વેચી રહ્યા છે તેમની પાસે ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. ઈરાન દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં કિડની વેચવી ગેરકાયદે નથી.
1980થી ઈરાનની સરકારે કિડની વેચવા માટે એક કરોડ રિયાલ ભાવ ફિક્સ કરેલો છે પણ બ્લેક માર્કેટમાં તેના કરતા વધારે પૈસા મળી રહ્યા છે. કેટલીક સંસ્થાઓ લોકોને પોતાના અંગ વેચતા રોકે છે પણ તેમના પ્રયત્નો કાફી નથી.
એક સર્વે પ્રમાણે ઈરાનમાં 2011થી અત્યાર સુધીમાં 10 ટકા પરિવારો ગરીબીમાં ધકેલાઈ ગયા છે અને બીજી તરફ ઈરાનમાં મોંઘવારી દર હવે 49 ટકાને પણ પાર કરી જાય તેવી શક્યતા છે.