તોડફોડ માટે ખાલિસ્તાનીઓ તરફ જ શંકાની સોય ચિંધાઈ, જે સાઈન બોર્ડની તોડફોડ કરાઈ હતી તેના પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની ગ્રાફિટી પણ બનાવવામાં આવી હતી
બ્રેમ્પટન
કેનેડાના ટોરંટોમાં આવેલા બ્રેમ્પટન શહેરના ભગવદ્ ગીતા પાર્કમાં સાઈન બોર્ડની તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ માટે ખાલિસ્તાનીઓ તરફ જ શંકાની સોય ચિંધાઈ છે.
જે સાઈન બોર્ડની તોડફોડ કરાઈ હતી તેના પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની ગ્રાફિટી પણ બનાવવામાં આવી હતી. જોકે સફાઈ કર્મીઓએ તરત આ ચિત્ર હટાવીને સાઈન બોર્ડને યથાવત સ્થિતિમાં લાવી દીધા હતા.
આ પહેલા પણ કેનેડામાં હિન્દુ મંદિરો અને મહાત્મા ગાંધીની પ્રતિમાને ટાર્ગેટ કરાઈ ચુકી છે. બ્રેમ્પ્ટન શહેર કાઉન્સિલ દ્વારા સાઈન બોર્ડની તોડફોડની નિંદા કરીને કહેવામાં આવ્યુ હતુ કે, જે પ્રકારની હરકત કરવામાં આવી છે તે નિરાશાજનક છે અને તેને એક ધાર્મિક સમુદાય પર હુમલો ગણી શકાય. બ્રેમ્પ્ટન શહેર અસહિષ્ણુતા અને ભેદભાવ સામે એક છે અને અમે વિવિધતા તથા તમામ પ્રત્યે સન્માનના અમારા મૂલ્યો પર ગર્વ કરીને તેને કાયમ રાખીએ છે.
બ્રેમ્પ્ટનના મેયર પેટ્રિક બ્રાઉને કહ્યુ હતુ કે, આ બર્બરતા સામે ખાસી નારાજગી છે. કોઈ પણ ધાર્મિક સમુદાયને ડરાવવા સામે અમે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં કેનેડામાં હિન્દુ મંદિરોને અપવિત્ર કરવાની 6 ઘટનાઓ બની ચુકી છે. જેમાં સૌથી તાજી ઘટના ભારત માતા મંદિર બહાર ભારતના ડિપ્લોમેટસને ટાર્ગેટ કરતા પોસ્ટર લગાવવાની હતી.
બ્રેમ્પટનના ભગવદ ગીતા પાર્કનુ અગાઉ ટ્રોયર્સ પાર્ક નામ હતુ અને તે બદલવામાં આવ્યુ છે. આ પાર્કમાં રથ પર સવાર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ અર્જુનની મૂર્તિઓ સહિત બીજી મૂર્તિઓ લગાવવાની યોજના છે.