યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી
વોશિંગ્ટન
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે પ્રથમ બેઠક યોજી હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી અને વધુમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ 2026 સુધીમાં યુદ્ધના સ્વચાલિત હથિયારોમાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદાકીય કરાર કરવા જોઈએ.
ગુટેરેસે કહ્યું કે ટેક્નોલોજી તેના સંભવિત જોખમો અને ફાયદાઓને વધુને વધુ જાહેર કરે છે અને યુએન પાસે મોનિટરિંગ અને નિયમન માટે વૈશ્વિક સ્તરે નિયમો નક્કી કરવાની તક છે. તેમણે ટ્વીટ કર્યુ હતું કે આજે મેં સુરક્ષા પરિષદ પાસે એઆઈને તાકીદની ભાવના, વૈશ્વિક દૃષ્ટિકોણ અને શીખવાની માનસિકતા સાથે અપનાવવા વિનંતી કરી હતી. આપણે એઆઈ સિસ્ટમની પારદર્શિતા, જવાબદારી અને દેખરેખ માટેના સામાન્ય પગલાં તરફ સાથે મળીને કામ કરવું જોઈએ. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બહુમતી દૃષ્ટિકોણથી અલગ થઈને શંકા વ્યક્ત કરી કે એઆઈના જોખમો વિશે પૂરતી માહિતી છે, જે તેને વૈશ્વિક અસ્થિરતાના જોખમોના સ્ત્રોતના રુપે પ્રકાશિત કરે છે. તો બીજી તરફ ચીનના રાજદૂતે કહ્યું કે એઆઈ સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણો નરમ હોવા જોઈએ જેથી દેશોને તેમના પોતાના રાષ્ટ્રીય સ્તરના નિયમો નક્કી કરવાની સ્વતંત્રતા મળે.
યુએન સેક્રેટરી જનરલે એઆઈ નિયમોને નિયંત્રિત કરવા, દેખરેખ કરવા અને અમલ કરવા માટે એક ગવર્નિંગ બોડી તરીકે યુએન દેખરેખ સંસ્થાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો, જે રીતે અન્ય એજન્સીઓ ઉડ્ડયન, આબોહવા અને પરમાણુ ઊર્જાની દેખરેખ રાખે છે. જો કે એઆઈને કેવી રીતે નિયંત્રિત કરવું તે અંગે કાયદાકીય રીતે બંધનકર્તા પ્રસ્તાવની સંભાવના હજુ દૂર છે, પરંતુ મોટાભાગના રાજદ્વારીઓએ વૈશ્વિક શાસન પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય નિયમોની કલ્પનાને સમર્થન આપ્યું હતું.