રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત ન હોવાનો પૂર્વ રાષ્ટ્રપતિનો દાવો
વોશિંગ્ટન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો તેઓ એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત નથી.
ટ્રમ્પનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમના સંબંધો ઘણા સારા છે. જો હું સત્તામાં પાછો આવીશ તો બંને નેતાઓ વચ્ચે સમજૂતી કરાવીશ અને એક જ દિવસમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવીશ. પુટિન-ઝેલેન્સ્કી સ્માર્ટ છે. ફ્રાન્સના મેક્રોંન પણ ઘણા સ્માર્ટ છે. આ લોકો કેટલા ઝડપી છે તે જોવા માટે હું પુટિન સહિતના લોકોને સૂચિબદ્ધ કરી શકું છું. તેઓ એટલા કડક છે. તેઓ ખૂબ હોંશિયાર છે. પરંતુ અમારી પાસે એક નેતા છે જેમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ સમય છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે હું ઝેલેન્સકીને સારી રીતે ઓળખું છું. હું પુટિનને પણ સારી રીતે ઓળખું છું. બંને સાથે મારા સંબંધો ખૂબ સારા અને ખૂબ ઊંડા છે. હું ઝેલેન્સકીને સ્પષ્ટ કહીશ. તમારે સોદો કરવો પડશે. હું પુટિનને કહીશ કે જો તમે સમાધાન નહીં કરો તો હું યુક્રેનને ઘણું બધું આપીશ. અમે યુક્રેનને અત્યાર સુધી જે મળ્યું છે તેના કરતાં ઘણું વધારે આપી શકીએ છીએ. હું એક દિવસમાં બંને વચ્ચે સમજૂતી કરાવી દઈશ.