ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ રમાઈ રહી છે જ્યારે વિરાટ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ
પોર્ટ ઓફ સ્પેન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન બનાવીને અણનમ છે અને બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ રમાઈ રહી છે જ્યારે વિરાટ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ છે.
મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોઝ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલા દિવસે 84 ઓવરમાં 288 રન બનાવ્યા હતા, જેમા રોહિત અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 74 બોલમાં 57 રન બનાવ્યા હતા, જ્યારે રોહિતે 143 બોલનો સામનો કરીને 80 રન બનાવ્યા હતા. આ મેચમાં શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તે 10 રન બનાવીને આઉટ થયો હતો તેમજ અજિંક્ય રહાણે 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા રોહિત અને યશસ્વી વચ્ચે 139 રનની ભાગીદારી થઈ હતી.
ભારતે ચાર વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. કોહલીએ 161 બોલનો સામનો કરીને અણનમ 87 રન અને જાડેજાએ 84 બોલમાં 36 રન બનાવ્યા છે બને વચ્ચે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 13 ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે ત્રણ ઓવર મેડન પણ નાખી હતી. આ ઉપરાંત વોરિકને 25 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ અને ગેબ્રિયેલે 12 ઓવરમાં 50 રન આપીને એક વિકેટ તેમજ કેમાર રોચે 13 ઓવરમાં 64 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ સિવાય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.