એજન્સીઓએ બીસીસીઆઈને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપતા નવરાત્રીની પહેલા મેચ યોજાઈ શકે છે
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. આઈસીસીએ પહેલાથી જ શિડ્યૂલને અંતિમ રૂપ આપી દીધું છે અને ગયા મહિને તેને જાહેર પણ કરી દીધું છે, પરંતુ આ વર્ષે ટુર્નામેન્ટની સૌથી પ્રતિષ્ઠિત મેચોમાંની એકની તારીખમાં ફેરફાર થવાની સંભાવના છે.
મળેલા અહેવાલો અનુસાર ભારત અને પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ શકે છે. જે દિવસે બંને ટીમો વચ્ચે મેચ થવા જઈ રહી છે તે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. એજન્સીઓએ બીસીસીઆઈને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી છે. મળેલા અહેવાલો અનુસાર મેચ નિર્ધારિત સમયના એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે.
બીસીસીઆઈ પણ સુરક્ષા એજન્સીઓની સલાહ પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓએ બોર્ડને કહ્યું છે કે આવા પ્રસંગોએ ભારત અને પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ મેચ ટાળવી જોઈએ. આ મેચ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચવાના છે. જો મેચના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તો ચાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાહકોએ મેચ માટે અમદાવાદની લગભગ તમામ હોટલો બુક કરી દીધી છે. આ ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં પણ બેડ માટે સંપર્ક કર્યો છે.
જો શિડ્યુલમાં ફેરફાર થશે તો મોટા પાયે હોટેલ બુકિંગ કેન્સલ થવાની સંભાવના છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ પણ અમદાવાદમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે. ટુર્નામેન્ટને બે મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ટિકિટના વેચાણ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જેના કારણે ચાહકોની નિરાશા વધી છે. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ ભારત-પાકિસ્તાન મેચ પર અંતિમ નિર્ણય લીધા બાદ ટિકિટનું વેચાણ શરૂ કરશે.