ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પુછપરછમાં ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત તે વધુ 7-8 લોકોને મારવાનો હોવાનો ખુલાસો કર્યો
મુંબઈ
ગત 31 જુલાઈના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધળ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. દરમિયાન આ ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારાઓ ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પુછપરછમાં તેણે કહ્યું કે, જો ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત અને તેને તક મળી હોત તો તેણે વધુ 7-8 લોકોને મારવાનો હતો. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે લગભગ 7 કલાકની પુછપરછ દરમિયાન ચેતન સિંહે એક સવાલના જવાબમાં કહ્યું કે, તેની છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છે. જોકે સૂત્રો મુજબ ચેતન સિંહના આ તમામ નિવેદન પોતાને મેન્ટલ સાબિત કરી ખુદને બચાવવાનું ષડયંત્ર હોઈ શકે છે.
રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 7 ઓગસ્ટે બોરીવલી કોર્ટમાં જીઆરપીએ દલીલ કરતા જણાવ્યું કે, તેઓ હજુ પણ ટ્રેનના સીસીટીવી ફુટેજ શોધી રહ્યા છે અને આખી ઘટનાનું એનાલિસિસ કરી રહ્યા છે. સૂત્રો મુજબ જીઆરપીએ કોર્ટમાં એવું પણ કહ્યું કે, ચેતન સિંહે કોઈના કહેવાથી ગોળીકાંડને અંજામ આપ્યો હોય તેની પણ તેઓ તપાસ કરી રહ્યા છે.
રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પુછપરછ દરમિયાન ચેતન સિંહના ચહેરા પર કોઈપણ પ્રકારનો અફસોસ કે પછતાવો જોવા મળી રહ્યો નથી. ઘટનામાં મૃતક મુસાફર સય્યદ સૈફુદીનના મિત્ર મુસાફર જફર ખાનના નિવેદનના આધારે ચેતન સિંહ વિરુદ્ધ આઈપીસીની કલમ 363, 341 અને 342 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે ખુલાસો કર્યો હતો કે, આરપીએફ જવાન એટલો બધો ગુસ્સામાં હતો કે તેણે ચાર ગોળીઓ મારીને એએસઆઈની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે અન્ય મુસાફર પર ત્રણ ગોળીઓ ચલાવી, જ્યારે બે પ્રવાસીઓને 2-2 ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. કોર્ટમાં હાજર કરવા મામલે પોલીસે તેના ડ્યૂટી રોસ્ટર પર સહી કરાવવા ગઈ ત્યારે તેણે રોસ્ટરને પણ ફાડીને ફેંકી દીધો હતો.