તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સન્યાસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ 3 ઓગસ્ટના રોજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ 5 દિવસમાં તેણે સન્યાસના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. મળેલા અહેવાલ મુજબ મનોજ તિવારીએ સન્યાસનો નિર્ણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે ઔપચારિક માહિતી આપશે. મનોજ તિવારી બંગાળ સરકારમાં ખેલ મંત્રી છે.
મળેલા અહેવાલો અનુસાર મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સન્યાસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. મનોજના નેતૃત્વમાં જ બંગાળની ટીમ ગયા વર્ષે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સઅપ રહી હતી. મનોજના સન્યાસના નિર્ણયથી બંગાળનો મિડલ ઓર્ડર નબળો પડી જશે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં સૌથી અનુભવી બેટ્સમેન હતો.
મનોજે 3 ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને સન્યાસની જાહેરાત કરી હતી. મનોજ તિવારીએ અત્યાર સુધીમાં 141 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તે 10,000 રન પૂરા કરવાથી 92 રન દૂર છે. તેણે 29 સદી અને 45 ફિફ્ટી ફટકારી છે. મનોજે ભારત માટે 12 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 287 રન બનાવ્યા છે. તેણે એક સદી અને એક ફિફ્ટી પણ ફટકારી છે. તેણે 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.