બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં રહ્યા પછી, 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ રોમાંચક ટાઈબ્રેકરમાં દિગ્ગજ યુએસ ગ્રાન્ડમાસ્ટરને હરાવ્યો
નવી દિલ્હી
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદાએ ગઈકાલે ફિડે વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં 3.5-2.5થી હરાવ્યો હતો. બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ એક રોમાંચક ટાઈબ્રેકરમાં દિગ્ગજ યુએસ ગ્રાન્ડમાસ્ટરને હરાવી દીધો હતો.
આજે યોજાનારી ફાઇનલમાં પ્રજ્ઞાનાનંદા હવે પાંચ વખતના ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે ટકરાશે, જેણે સેમિફાઇનલમાં અઝરબૈજાનના નિજાત અબાસોવને 1.5-0.5થી હરાવ્યો હતો. પ્રજ્ઞાનાનંદા આનંદ પછી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય છે. તેણે વર્ષ 2024માં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં પણ સ્થાન મેળવ્યું છે, જે ડીંગ લિરેનના ચેલેન્જરનો નિર્ણય કરશે.
અનુભવી ખેલાડી બકી ફિશર અને કાર્લસન પછી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રજ્ઞાનાનંદા ત્રીજો સૌથી યુવા ખેલાડી છે. ફાઇનલમાં પ્રવેશ કર્યા પછી, પ્રજ્ઞાનાનંદાએ કહ્યું, મેં આ ટૂર્નામેન્ટમાં મેગ્નસ સામે રમવાની અપેક્ષા નહોતી રાખી કારણ કે હું તેની સામે ફક્ત ફાઈનલમાં જ રમી શકતો હતો અને મને ફાઇનલમાં પહોંચવાની અપેક્ષા નહોતી. હું મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ અને જોઉં છું કે શું થાય છે. તેણે કહ્યું, કેન્ડીડેટ્સ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થવું ખૂબ જ સારી લાગણી છે.
ભારતના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદે એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કર્યું, પ્રેગ (પ્રજ્ઞાનાનંદા) ફાઇનલમાં પહોંચ્યો! તેણે ટાઈબ્રેકમાં ફેબિયાનો કારુઆનાને હરાવ્યો અને હવે તેનો સામનો મેગ્નસ કાર્લસન સામે થશે. શું શાનદાર પ્રદર્શન છે!’ પ્રજ્ઞાનાનંદા વર્તમાન વર્લ્ડ કપમાં ખૂબ જ સારા ફોર્મમાં છે અને કારુઆના પહેલા અમેરિકાના વિશ્વના બીજા નંબરના ખેલાડી હિકારુ નાકામુરાને પણ હરાવ્યો હતો.