મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો
રાજકોટ
શહેરમાં ગઈકાલે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે પહોંચેલી 25 વર્ષીય પરિણીતાની તેના પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા ખરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા પતિની શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારજનો ગઈકાલે રેસકોર્સ મેદાન સ્થિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળવા ગયાં હતાં. કથા સાંભળ્યા પછી તમામ પરત આવી ઘરે જમવા બેઠાં હતાં અને પછી બધા પોતપોતાના ઘરમાં સૂતા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યે રાબેતા મુજબ અંજલિ ઊઠી ન હતી, આથી બાજુમાં રહેતી તેની બહેન દરવાજો ખોલી જોતાં અંજલિની તેના પતિએ હત્યા નીપજાવી હોવાથી મૃત હાલતમાં જોવા મળી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અંજલિની બહેનને મીડિયાને જણાવ્યું હતું કે અમે બધા ગઈકાલે બાગેશ્વરધામના બાબાની કથામાં ગયાં હતાં. અંજલિના પતિને પણ બાબાની કથામાં આવવા કહ્યું હતું, પણ તેઓ આવ્યા ન હતા. આ પછી અમે 11 વાગ્યે પરત આવી જમ્યાં હતાં અને પછી બધાં સૂઈ ગયાં હતાં. સવારના 6 વાગ્યે રોજ ઊઠીને જમવાનું બનાવી અમે કારખાનામાં કામ કરવા જઈએ છીએ. આજે 6 વાગ્યે અંજલિ ઊઠી ન હતી અને 7 વાગ્યા તો હું તેના ઘરમાં જોવા ગઈ હતી. દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈ જોયું તો મારી બહેન સૂતી હતી અને ચાદર ઓઢાડેલી હતી. ચાદર ઉઠાવતાં જોયું તો મોઢા પર લોહી નીકળેલું જોયું હતું.
મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો. ગઈકાલે અંજલિનો પુત્ર તેમનાં સાસુ-સસરા સાથે બીજા મકાનમાં હતો અને પતિ પુષ્પેન્દ્ર અને પત્ની અંજલિ પોતાના મકાનમાં હતાં. મોડીરાત્રે દોઢેક વાગ્યે બંને વચ્ચે પૈસા મામલે માથાકૂટ થઈ હતી અને પતિએ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી પતિ પુષ્પેન્દ્ર હત્યા નીપજાવી ફરાર થઇ ગયો હોવાથી પોલીસે અંજલિની બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.