વેસલ્સનું ઉત્પાદન કરતી સાઇનોવેટિક ઈન્ડિયા મશીનરી પ્રા.લિ. નામક કંપનીમાં લોખંડના વેસલ્સનું ટેસ્ટિંગ કરાતા સમયે અચાનક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ
વાપી
ઉમરગામ નવી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે શનિવારે પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું મોત અને બેને ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ નવી જીઆઇડીસીમાં વેસલ્સનું ઉત્પાદન કરતી સાઇનોવેટિક ઈન્ડિયા મશીનરી પ્રા.લિ. નામક કંપની આવેલી છે. આજે શનિવારે બપોરે કંપનીમાં તૈયાર થયેલા લોખંડના વેસલ્સનું ટેસ્ટિંગ કરાતું હતું. તે વેળા અચાનક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા ભારો દોડધામ મચી ગઇ હતી. ધડાકાને કારણે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠતા કર્મચારી અને લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
ઘટનાને પગલે લાશકરો અને પોલીસ દોડી ગઇ હતી. આ ઘટનામાં કંપનીના કર્મચારીનું મોત થયું હતું. જ્યારે બે કર્મચારીને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ વિસ્ફોટને કારણે પોલીસે સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો હતો. જીપીસીબીની ટીમ પણ પહોંચી ગઇ હતી. વિસ્ફોટને કારણે કંપનીના પતરા ઉડી જવા સાથે સ્ટકચરને નુકશાન થયું હતું. વેસલ્સના ટેસ્ટિંગ વેળા પ્રેશર વધી જતા ધડાકો થયાનું હાલ જાણવા મળી રહ્યું છે.