પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-1થી સરસાઈ મેળવી લીધી છે
રાજકોટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 434 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. રનના હિસાબે ટેસ્ટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં 214 રન બનાવ્યા, જેના કારણે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 4 વિકેટના નુકસાન પર 430 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ‘બેઝબોલ ક્રિકેટ’માં આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પોતાની ઇનિંગ ડિકલેર કરી હોય. રોહિત શર્માએ તેની કેપ્ટનશિપ હેઠળ આ ઐતિહાસિક પગલું ભરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ પણ ચોંકી ગઈ હતી.
રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ જાડેજાએ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી જેના આધારે ભારતે 445 રન બનાવ્યા હતા. જેના કારણે જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 112 રન બનાવ્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી. જયારે તેને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. પરંતુ જાડેજાએ બોલિંગમાં 5 વિકેટ ઝડપી કમાલ કરી હતી. જાડેજાએ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી અને 112 રન બનાવ્યા હતા.
ભારતની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 236 બોલનો સામનો કરી 214 રન બનાવ્યા હતા. જયસ્વાલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 90.68 હતો. જ્યારે જયસ્વાલે ગિલ સાથે 159 રનની ભાગીદારી કરી હતી. આ ઉપરાંત તેણે અને સરફરાઝ ખાને 158 બોલમાં 172 રન બનાવીને ઈંગ્લેન્ડના બોલરોને ચોંકાવી દીધા હતા.
સરફરાઝે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝે પ્રથમ ઇનિંગમાં 66 બોલમાં 62 અને બીજી ઈનિંગમાં 72 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ સિવાય ગિલ સદી ફટકારવામાં ચૂકી ગયો હતો અને 91 રન બનાવીને રનઆઉટ થયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી અને ઈંગ્લેન્ડ સામે ત્રીજી સદી ફટકારી હતી. રોહિતે 196 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે પહેલા જ દિવસથી ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું હતું. ઈંગ્લેન્ડની ટીમ ક્યારેય ટેસ્ટ મેચમાં વાપસી કરી શકી ન હતી.