ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર; જ્યારે રાજ્યનીજિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્યા 16,90,643

Spread the love

કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

નવી દિલ્હી

અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી હતી.

ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીશ્રીના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસ પડતર છે, જ્યારે દેશની વિવિધ હાઇકોર્ટમાં કુલ 61,80,878 કેસ પડતર છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને 4,62,34,646 કેસ હાલની તારીખે પડતર છે.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી 1720માંથી 535  જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ 1122 જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી 368 જગ્યા આજે પણ ખાલી છે. જ્યારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 25741 જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે 5262 જગ્યા હજી ખાલી છે, તેવો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રીમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ 34માંથી ફક્ત એક જ જજની જગ્યા ખાલી છે.

શ્રી નથવાણી સર્વોચ્ચ અદાલત તેમજ દેશની વિવિધ હાઈકોર્ટ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની ખાલી પડેલી સંખ્યા ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમજ વિવિધ હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં હાલ પડતર રહેલા કેસની સંખ્યા વિશે જાણવા ઈચ્છતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *