તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ
નવી દિલ્હી
આઈઆઈટી ટેકનિકલ શિક્ષણની દ્રષ્ટિએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. હવે તેનું કેમ્પસ દેશની બહાર પણ ખુલવાનું છે. દેશની બહાર પ્રથમ આઈઆઈટી કેમ્પસ આફ્રિકન દેશ તાંઝાનિયા, ઝંઝીબારમાં ખોલવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (એમઓઈ), આઈઆઈટી મદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મંત્રાલય વચ્ચે 5 જુલાઈના રોજ એક એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઝંઝીબારના પ્રમુખ ડૉ. હુસૈન અલી મ્વિન્ની અને ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિલીઝ પ્રમાણે તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ છે.
આ ભાગીદારી હેઠળ, આઈઆઈટી મદ્રાસ ઝંઝીબારમાં આઈઆઈટી કેમ્પસ ખોલશે અને ઓક્ટોબર 2023થી ત્યાં કાર્યક્રમ શરૂ કરવાની યોજના છે.
આઈઆઈટી મદ્રાસ વિદ્યાર્થીઓની પસંદગી, શૈક્ષણિક કાર્યક્રમ, અભ્યાસક્રમ અને શૈક્ષણિક વિગતોનું કામ સંભાળશે, જ્યારે તેને ચલાવવાનો સમગ્ર ખર્ચ ઝંઝીબાર-તંઝાનિયા સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
અહીં ભણનારા વિદ્યાર્થીઓને આઈઆઈટી મદ્રાસની ડિગ્રી મળશે. આફ્રિકા સહિતના અન્ય દેશોની સાથે ભારતીય વિદ્યાર્થીઓને પણ અહીં અભ્યાસ માટે અરજી કરવાની તક મળશે.
એનઈપી 2020 હેઠળ વિદેશમાં કેમ્પસ ખોલવા માટે પ્રમોશન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વિદેશમાં કેમ્પસ ખોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020નું ફોકસ આંતરરાષ્ટ્રીય પર છે અને સાથે સાથે ભલામણ પણ કરે છે કે, દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને અન્ય દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
આઈઆઈટી મદ્રાસ આફ્રિકા ખંડમાં તેનું કેમ્પસ ખોલી રહ્યું છે. તેનાથી વિશ્વભરમાં દેશની પ્રતિષ્ઠા અને રાજદ્વારી સંબંધોમાં વધારો થશે. આ ઉપરાંત તે આઈઆઈટી મદ્રાસના શિક્ષણ અને સંશોધનની ગુણવત્તાને પણ મજબૂત કરશે.