એક ફૂલ-સ્ટેક ડ્રોન ટેક્નોલોજી કંપની એસ્ટેરિયા એરોસ્પેસે ભારતીય સેનાને તેના એટી-15 વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ (વીટીઓએલ) ડ્રોનના અત્યાર સુધીના સૌથી મોટા કોન્ટ્રાક્ટ હેઠળ ડ્રોનની સફળ ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન એસ્ટેરિયાની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને સંરક્ષણ તથા માતૃભૂમિની સુરક્ષા કરતી એજન્સીઓની તાતી જરૂરિયાતોને પહોંચી વળવા અત્યાધુનિક સોલ્યૂશન્સ પૂરા પાડે છે. એસ્ટેરિયા એરોસ્પેસ લિમિટેડ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની પેટાકંપની છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની બહુમતી માલિકીની પેટાકંપની છે.
“ભારતીય સંરક્ષણ મંત્રાલયને એસ્ટેરિયાના સ્વદેશી રીતે વિકસિત એટી-15 સર્વેલન્સ ડ્રોનની આ ડિલિવરી સંરક્ષણ દળોની વિસ્તરતી જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું અમારું અતૂટ સમર્થન દર્શાવે છે”, તેમ એસ્ટેરિયા એરોસ્પેસના ડિરેક્ટર અને સહ-સ્થાપક નીલ મહેતાએ જણાવ્યું હતું. “આ મેન-પોર્ટેબલ ડ્રોન બહુવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જેમાં હાઇ અલ્ટીટ્યૂડ વિસ્તારોમાં બેસ્ટ-ઇન-ક્લાસ ફ્લાઇટ પર્ફોર્મન્સ, ઇન્ટિગ્રેટેડ હાઇ-રિઝોલ્યુશન, ડે એન્ડ નાઇટ કેમેરા અને આર્ટિલરીને ટાર્ગેટ સાધવા માટેના સચોટ માર્ગદર્શનનો સમાવેશ થાય છે. અમને વિશ્વાસ છે કે આ ડ્રોન ભારતીય સેનાની સર્વેલન્સની ક્ષમતાને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
પાંખોની અનન્ય ડિઝાઇન એસ્ટેરિયાના એટી-15 ડ્રોનને સમુદ્ર સપાટીથી સરેરાશ 6000 મીટરની ઉંચાઈ સુધીના વિસ્તારોમાં કાર્ય કરવા માટે જરૂરી ફ્લાઇટ એફિશિયન્સી અને હાઇ વિન્ડ રેઝિસ્ટન્સ માટે સક્ષમ બનાવે છે. તેની વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ક્ષમતા તેને અનેક મર્યાદા ધરાવતાં વિસ્તારોમાંથી લોન્ચ અને રિકવર કરવાની સુવિધા આપે છે. એટી-15 120 મિનિટ સુધીનો ઇમ્પ્રેસિવ ફ્લાઇટ ટાઇમ અને 20 કિમી સુધીની રેન્જ ધરાવે છે, તેના પરિણામે તે મોટા વિસ્તારોમાં લાંબા સમય સુધી સર્વેલન્સ અને જાસૂસી કામગીરીને સુનિશ્ચિત કરે છે. હાઇ ઝૂમ કેપેબિલિટી સાથે આ ડ્રોન પરનો એક ઇન્ટિગ્રેટેડ ઇઓ-આઇઆર પેલોડ તેને દિવસ અને રાત્રિના સમયમાં ઊંચાઈએથી ક્રિટિકલ એરિયલ ઇન્ટેલિજન્સ એકત્ર કરવા સક્ષમ બનાવે છે. આ ઉપરાંત આ ડ્રોન સંપૂર્ણ રીતે કમ્પોઝીટ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે જે તેને મજબૂત, હળવું અને મેન-પોર્ટેબલ બનાવે છે.
એસ્ટેરિયા એરોસ્પેસ ક્વોલિટી અને કમ્પ્લાયન્સના ઉચ્ચતમ ધોરણો સાથે ભાવિ માટે તૈયાર ઉત્પાદનોનું નિર્માણ કરવા માટેની ડીએસઆઇઆર-માન્યતા પ્રાપ્ત અત્યાધુનિક આરએન્ડડી લેબ સાથે બેંગલુરુમાં 28,000 ચોરસ ફૂટની ડિઝાઇન અને પ્રોડક્શન ફેસિલિટી ધરાવે છે. આ ઉપરાંત કંપની સરકાર અને સંરક્ષણ એજન્સીઓ સહિત તેના વિવિધ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા માટે ગુરુગ્રામમાં વ્યૂહાત્મક રીતે હાજરી ધરાવે છે.