પ્રિયંકા ગાંધીને આક્ષેપો સંદર્ભે પુરાવા આપવા શિવરાજ સિંહનો પડકાર
ભોપાલ
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક ટ્વિટથી ભાજપ અને કોંગ્રેસ નેતા સામ-સામે આવી ગયા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં 50% કમીશન આપતા જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ મળે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ ભાજપ સરકારે 40% કમીશન વસૂલતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડી આગળ નીકળી ગયો છે.
પ્રિયંકાના આ ટ્વિટ પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સફાઈ આપી અને તેને હળાહળ જુઠ્ઠાણું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે વાયરલ પત્ર મારા સુધી આવતા જ મેં ઈન્ટેલિજન્સને તપાસ કરવા કહ્યું હતું. તપાસમાં ન તો ગ્વાલિયરના લશ્કર વિસ્તારમાં વસંત વિહારમાં એડ્રેસ મળી રહ્યું છે ન તો તેનાથી સંબંધિત કોઈ વ્યક્તિ મળી રહી છે. ના તો આ પત્રનો કોઈ અસ્તિત્વ છે. માત્ર ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આ મામલે અમે જરૂરી કાર્યવાહી કરીશું.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે આવા ભ્રષ્ટાચારના હજારો કેસ છે. કોના કોના પર ભાજપ કેસ નોંધાવશે. આજે સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થઈ રહ્યો છે ત્યારે તેમની પાસે કોઈ ઉપાય નથી. પત્ર ફેક છે કે સાચો? અહીં કોઈને પણ પૂછી શકો છો. 100 પત્રો લોકો તમને બતાવી દેશે.
રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ કોઈપણ પ્રકારના મુદ્દા વગર નફરતની માનસિકતા સાથે રાજકારણ કરી રહી છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પહેલા રાહુલ ગાંધીથી જુઠ બોલાવ્યું અને હવે પ્રિયંકા ગાંધીથી જુઠ્ઠાં ટ્વિટ કરાવી રહ્યા છે. પ્રિયકાએ ટ્વિટના પુરાવા આપવા જોઈએ. નહીંતર અમારી સામે કાર્યવાહીના વિકલ્પ ખુલ્લાં છે.