ગૌરક્ષક મોનૂ માનેસર નાસિર અને જુનૈદ હત્યાકાંડ બાદ 8 મહિનાથી ફરાર હતો
ગુરૂગ્રામ
હરિયાણા પોલીસે ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર-જુનૈદ હત્યાકાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ગૌરક્ષક મોનૂ માનેસરને ગુરૂગ્રામથી પોલીસે કસ્ટડીમાં લીધો છે. હરિયાણા પોલીસ હવે તેને રાજસ્થાન પોલીસને સોંપી શકે છે. મોનૂ માનેસર પર ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર અને જુનૈદની હત્યાનો આરોપ છે.
ગૌરક્ષક મોનૂ માનેસર ભિવાનીમાં જીવતા સળગાવવામાં આવેલા નાસિર અને જુનૈદ હત્યાકાંડ બાદ 8 મહિનાથી ફરાર હતો. 16 ફેબ્રુઆરી 2023ના રોજ હરિયાણાના ભિવાનીમાં બોલેરો ગાડીમાં સળગી ગયેલી હાલતમાં બે મૃતદેહો મળી આવ્યા હતા.
તપાસ બાદ સામે આવ્યું હતું કે, બંને મૃતદેહ રાજસ્થાનના ગોપાલગઢના જુનૈદ અને નાસિરના હતા. હરિયાણાના અનેક ગૌરક્ષકો પર નાસિર અને જુનૈદની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મોનૂ માનેસર ઉર્ફે મોહિત યાદવ જ આ બધામાં સૌથી ચર્ચિત નામ હતું.
મોનૂ માનેસર બજરંગ દળનો સદસ્ય અને ગૌરક્ષક છે. તે ગુરૂગ્રામના માનેસરનો નિવાસી છે. મોનુ માનેસરને બજરંગ દળના ગાય સંરક્ષણ ટાસ્ક ફોર્સ યુનિટ અને ગાય સંરક્ષણ ટીમના પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોનુ માનેસરનું નામ 31 જુલાઈ 2023ના રોજ હરિયાણાના નૂહમાં હિંસા ભડકાવવા મામલામાં પણ સામેલ હતું. મોનુ સાથે હિંસાના મુખ્ય આરોપી બિટ્ટુ બજરંગીનો એક ભડકાઉ વીડિયો સામે આવ્યો હતો.