હુમલો આત્મરક્ષા માટે કરાયો હોવાનો અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિનનો દાવો
વોશિંગ્ટન
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન અમેરિકી સૈન્યએ પૂર્વ સીરિયામાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલા બે ઠેકાણે હવાઈ હુમલા કરી દીધા છે. પેન્ટાગોને કહ્યું કે આ હુમલો અમેરિકી ઠેકાણાં અને કર્મચારીઓ પર તાજેતરમાં કરાયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ છે. ગત અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકી સૈનિકોને સીરિયામાં નિશાન બનાવાયા હતા.
પેન્ટાગોનનું કહેવું છે કે ઓક્ટોબરમાં ઈરાકમાં અમેરિકી ઠેકાણાં અને સૈનિકો પર ઓછામાં ઓછા 12 અને સીરિયામાં 4 હુમલા થયા છે. એરફોર્સના બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યું કે એ બે હુમલામાં 21 અમેરિકી કર્મચારીઓ ઘવાયા હતા. જેમાં ઈરાકમાં અલ અસદ એરબેઝ અને સીરિયામાં અલ તનફ ગેરીસનને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.
સીરિયા પર કરાયેલા આ હુમલાના જવાબમાં અમેરિકી (યુએસએ) સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિને કહ્યું કે આજે અમેરિકી સૈનિકોએ સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ્સને નિશાન બનાવ્યા છે અને આ હુમલો આત્મરક્ષા માટે કરાયા હતા. હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ વકરતી જઈ રહી છે કેમ કે તેમાં ઈરાન અને અમેરિકા પણ ઝંપલાવે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.