આઈડીએફએ બરુદ સામે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો
તેલઅવિવ
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા ગાઝા પટ્ટીમાં ભીષણ બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફ શાદી બરુદને ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર માર્યો. આઈડીએફએ બરુદ સામે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.
આઈડીએફ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે બરુદે અગાઉ ખાન યુનિસ વિસ્તારમાં બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું અને હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે બર્બર હુમલાઓ માટે જવાબદાર હમાસના નેતાઓ અને આતંકીઓ પર હુમલો કરવાનું અને તેમને ખતમ કરવાનું ચાલુ રાખીશું. આઈડીએફ અનુસાર બરુદ ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ અનેક આતંકી હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો.
બીજી બાજુ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં 50 બંધકોના મોત થયા છે. હમાસના સૈન્ય પ્રવક્તા અબુ ઓબેદાએ આ માહિતી આપી છે. દરમિયાન, એક અહેવાલ મુજબ ગાઝામાં 1600 લોકો ગુમ થયાની માહિતી મળી છે. તેમાં 900 બાળકો પણ સામેલ છે. હવાઈહુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. તેની સામે આઇડીએફનું કહેવું છે કે અમે આ લોકોને કે પછી અમારા હુમલામાં બંધકોએ જીવ નથી ગુમાવ્યાં પરંતુ હમાસના આતંકીઓએ બંધકોને મારી નાખીને તેનો આરોપ અમારા પર મઢી દીધો છે.
અહેવાલ અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના 250થી વધુ લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક મસ્જિદની નજીક સ્થિત રોકેટ લોન્ચર સાઈટનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમાન્ડ સેન્ટર્સ, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા હતા.