જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે
કોલકાતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં ઈડીની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં મલિકના ઘરે પહોંચી હતી. ત્યારપછી ઈડીના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી, જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. બાદમાં ઈડીએ તેમની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી.
ઈડીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની રાશન વિતરણના ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ જ્યારે ઈડીના અધિકારીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) કર્મચારીઓની મદદથી મંત્રી મલિકને લઈ જઈ રહ્યા હતા, ત્યારે મીડિયાકર્મીઓ તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન મલિકે કહ્યું કે તેમને એક મોટા ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેમની પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો હતો.
ઈડીએ ગુરુવારે સવારે ટૂએમસી નેતા મલિકના કોલકાતામાં સોલ્ટ લેક સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે ઈડીના અધિકારીઓએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં મંત્રીના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું. ઈડીએ સેન્ટ્રલ ફોર્સના જવાનો સાથે મળીને મંત્રીના બે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. મલિકની સાથે તેમના ભૂતપૂર્વ અંગત સહાયકના નિવાસસ્થાન સહિત અન્ય આઠ ફ્લેટ પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જો કે દરોડા દરમિયાન મંત્રી ઘરે હાજર ન હતા.