1થી 13 મેએ એકા ટ્રાન્સસ્ટેડિયા પર ગુજરાત સુપર લીગ સિઝન-2 યોજાશે, ટ્રોફી અને ટીમોની જર્સીનું અનાવરણ કરાયું, વિજેતા ટીમને 11 લાખ અને રનર્સ અપ ટીમને 5 લાખનો પુરસ્કાર મળશે
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝન યોજાશે. સ્પર્ધામાં રાજ્યની છ ફ્રેન્ચાઈઝીની ટીમોમાં દેશભરના કેટલાક ટોચના ખેલાડીઓની સાથે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધાના વિજેતાને 11 લાખ અને રનર્સ અપને પાંચ લાખનો પુરસ્કાર એનાયત થશે.

જીએસએલની સિઝન-2ના ટ્રોફી અને ટીમોની જર્સીનું અનાવરણ કર્યા બાદ GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું.
પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”
GSFA ના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે



GSLની છ ફ્રેન્ચાઇઝી ટીમો
- અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ)
- ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી))
- કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ)
- સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ)
- સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ)
- વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ)



GSL સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFA 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે સ્ટેડિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપશે.
ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે.