ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો

નવી દિલ્હી
ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને ત્રણ મહિનાની અંદર વડાપ્રધાન રજૂ કરી શકે છે. આ ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઘણી વાતનો ઉલેખ્ખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ડીસેમ્બર 2023 સુધીમાં તેને લોકો સામે મૂકવામાં આવશે.
નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે અને માથાદીઠ આવક પણ વધીને 17,590 ડૉલર થઈ જશે. હાલમાં ભારતની જીડીપીનું કદ 3.7 ટ્રિલિયન ડોલર છે અને માથાદીઠ આવક 2450 ડોલરની આસપાસ છે.
નીતિ આયોગના સીઈઓએ કહ્યું કે, વિઝન ડોક્યુમેન્ટ એવા ક્ષેત્રો અને ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ભારતને 2047 સુધી વિશ્વના નેતૃત્વ સુધી પહોંચાડી શકે અને આ ક્ષેત્રો અને ટેકનોલોજીમાં સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. Viksit Bharat@2047 વિઝન ડોક્યુમેન્ટ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અગાઉ એસ એન્ડ પી ગ્લોબલ એન્ડ મોર્ગન સ્ટેનલે ભારતના સંદર્ભમાં ભવિષ્યવાણી કરી હતી ભારતીય અર્થવ્યવસ્થા 2030 સુધીમાં એક લાંબી છલાંગ મારી જાપાન અને જર્મની જેવી મોટી અર્થવ્યવસ્થા પાછળ છોડી દેશે. ગોલ્ડમેનને તેના રીપોર્ટમાં કહ્યું કે, 2075 સુધીમાં ચીન 57 ટ્રીલીયન ડોલરની સાથે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તેના પછી 52.5 ટ્રીલીયન ડોલર સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે નામ અંકિત કરશે. ત્યારબાદ ક્રમશ અમેરિકા,યુરોપ અને જાપાન આ યાદીમાં જોવા મળશે.