મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીઃ અલ્લાહબાદ હાઈકોર્ટ
અલ્લાહબાદ
અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ દ્વારા પોતાની પત્નીના નામ પર કોઈ સંપત્તિ ખરીદી છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણવામાં આવશે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીં, પરંતુ જો મહિલા ગૃહિણી હોય અને તેના નામે સંપત્તિ ખરીદવામાં આવી હોય તો જ અધિકાર ગણાશે.
જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે પુત્ર દ્વારા તેના સ્વર્ગસ્થ પિતાની સંપત્તિમાં સહ-માલિકીના દાવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા કહ્યું હતું કે ‘કોર્ટ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 114 હેઠળ એવું કહી શકે છે કે હિંદુ પતિએ તેમની પત્નીના નામે જે સંપત્તિ ખરીદી છે તે પારિવારિક સંપત્તિ હશે, કારણ કે સામાન્ય સંજોગોમાં પતિ પોતાના પરિવારના હિતમાં ઘરને સંભાળનાર પત્નીના નામ પર સંપત્તિ ખરીદે છે કે જેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત હોતો નથી.’
આ ઉપરાંત કોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી એ સાબિત ન થાય કે પત્નીની આવકમાંથી કોઈ ચોક્કસ સંપત્તિ ખરીદવામાં આવી છે, ત્યાં સુધી તે સંપત્તિ પતિની આવકમાંથી ખરીદવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અપીલકર્તા સૌરભ ગુપ્તાએ તેમના પિતાએ ખરીદેલી સંપત્તિના ચોથા ભાગના સહ-માલિકનો દરજ્જો આપવાની માગણી કરી હતી. તેમની અરજી દલીલ એવી હતી કે સંપત્તિ તેના સ્વર્ગસ્થ પિતા દ્વારા ખરીદવામાં આવી હોવાથી તે તેમની માતા સાથે તેમાં સહભાગી છે. આ દાવામાં સૌરભ ગુપ્તાની માતા પ્રતિવાદી છે. સૌરભ ગુપ્તાએ સંપત્તિને કોઈપણ ત્રીજા પક્ષને ટ્રાન્સફર કરવા સામે સ્ટે માંગતી અરજી દાખલ કરી હતી.