વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક ‘ભારત ટેક્સ-2024’નું ઉદ્ઘાટન કરી દીધુ છે. ભારત ટેક્સ-2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીના ભારત મંડપમમાં તેને શરૂ કરવામાં આવ્યુ છે.
પીએમ મોદીએ આ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો ઈવેન્ટ માત્ર ટેક્સટાઈલ એક્સ્પો પૂરતો જ નથી. આ આયોજનના એક સૂત્ર સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. ભારત ટેક્સનું આ સૂત્ર ભારતના ગૌરવશાળી ઈતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યું છે. ભારત ટેક્સનું આ સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધુ વધારવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતના ટેક્સટાઈલ સેક્ટરનું વેલ્યુએશન 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયુ છે.
પીએમઓ દ્વારા જારી કરેલા એક નિવેદનમાં પહેલા જ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે કાર્યક્રમમાં પણ કહ્યું કે, ફાઈવ એફની આ યાત્રા ફાર્મ, ફાઈબર, ફેક્ટરી, ફેશનથી પસાર થતા ફોરેન સુધી જાય છે. આપણે ટેક્સટાઈલ વેલ્યુ ચેનના તમામ એલિમેન્ટ્સને ફાઈવ એફના સૂત્રથી એકબીજા સાથે જોડી રહ્યા છીએ.
કાપડ ઉત્પાદકોમાંથી દર 10 સાથીઓમાંથી 7 મહિલાઓ છે અને હેન્ડલૂમમાં તેનાથી પણ વધુ છે. ટેક્સટાઈલ ઉપરાંત ખાદીએ પણ આપણા ભારતની મહિલાઓને નવી શક્તિ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં જે પણ પ્રયાસો કર્યા છે તેણે ખાદીને વિકાસ અને રોજગાર બંનેનું સાધન બનાવ્યું છે. વિકસિત ભારત બનાવવામાં ટેક્સટાઇલ સેક્ટરના યોગદાનને વધુ વધારવા માટે અમે ખૂબ જ વ્યાપક દાયરામાં કામ કરી રહ્યા છીએ. અમે 4T એટલે કે ટ્રેડિશન, ટેકનોલોજી, ટેલેન્ટ અને ટ્રેનિંગ પર ફોકસ કરી રહ્યા છીએ.