ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતનો શ્રેણી પર કબજો

Spread the love

ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો

રાંચી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ 52 રન અને ધ્રુવ જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ભારતીય ટીમે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

ભારતીય ટીમની આ ઘરઆંગણે સતત 17મી સીરિઝ જીત છે. વર્ષ 2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે પછી રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 38માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચેઝ કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 84 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટરોએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંનેએ મળીને 40 રન જોડ્યા હતા. ત્રીજા દિવસ પછી એવું લાગતું હતું કે ભારત આસાનીથી મેચ જીતી જશે, પરંતુ ચોથા દિવસે ઇંગ્લિશ બોલરોએ પોતાની પકડ વધુ મજબૂત કરી અને અડધી ભારતીય ટીમને 120ના સ્કોર પર પેવેલિયન પરત કરી દીધી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી.

ધ્રુવ જુરેલે ભારત માટે પ્રથમ ઇનિંગમાં 90 રન બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે ભારતે 300 રનનો આંકડો પાર કર્યો અને 307 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં ભારતે 177ના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી કુલદીપ યાદવ અને જુરેલે 8મી વિકેટ માટે 76ની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. 7 વિકેટ પડી ગયા બાદ એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ પાસે 100થી વધુ રનની લીડ હશે, પરંતુ જુરેલે આવું થવા દીધું નહીં.

ઇંગ્લેન્ડે આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતમાં જબરદસ્ત લયમાં જોવા મળી હતી. ત્રીજા દિવસના અંતે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા હતા. હવે ભારતને જીતવા માટે 152 રનની જરૂર હતી. પરંતુ ચોથા દિવસે બાજી પલટી ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે પાર્ટ ટાઈમ સ્પિનર ​​જો રૂટના બોલ પર જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલે 5 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. યશસ્વીના આઉટ થયાના થોડા સમય બાદ રોહિતે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રોહિત 55 રન બનાવીને ટોમ હાર્ટલીના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ભારતે રજત પાટીદારની વિકેટ પણ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

લંચ બાદ શોએબ બશીરે સતત 2 બોલ પર રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાનને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી હતી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગિલે 2 છગ્ગાની મદદથી ફિફ્ટી (52*) ફટકારી હતી. જ્યારે જુરેલે 2 ચોગ્ગાની મદદથી 39* રન બનાવ્યા હતા.

રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઇંગ્લિશ સ્પિનર શોએબ બશીરે 5-5 વિકેટ લીધી હતી. બશીરે ભારતની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ અશ્વિને ઇંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *