ક્લાઉડ સીડીંગ દ્વારા પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી પ્રયાસ કરશે

Spread the love

દિલ્હી પર્યાવરણ મંત્રી સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકાયો જેમાં આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું

નવી દિલ્હી

દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો એક્યુઆઈ 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવેલ તમામ પ્રયાસો સફળ થયા નથી. હાલ જોરદાર પવન અથવા વરસાદની રાહ જોવાઈ રહી છે કે જેનાથી વાયુ પ્રદૂષણને અત્યારની સ્થિતિમાંથી સારી સ્થિતિમાં લાવી શકાય છે. તો એવામાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું આને રોકવા માટે કોઈ પણ ઉપાય નથી.

આ મામલે એક ઉકેલ છે જે લાંબા સમયથી વિચારવામાં છે પરંતુ તેના પર કોઈ અમલ કરાયો નથી. આઈઆઈટી કાનપુરે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઉપાય વિચાર્યો છે. આઈઆઈટી એ ક્લાઉડ સીડીંગ દ્વારા કૃત્રિમ વરસાદની ટેકનોલોજી વિકસાવી છે. વરસાદની મદદથી હવામાં રહેલા પ્રદૂષકોને સાફ કરી શકાય છે. પ્લેન દ્વારા વાદળો પર એક ખાસ પ્રકારનું કેમિકલ છાંટવામાં આવે છે, ત્યારબાદ કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. 

દિલ્હી પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકવામાં આવ્યો હતો. જેમાં આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ઉપરાંત રાય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, વિગતવાર પ્રેઝન્ટેશન સાથે નાણાકીય બોજ સહિત તમામ પાસાઓ સમજાવવા. મુખ્યમંત્રીને પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને ત્યારબાદ તેના અમલીકરણ અંગે વિચારણા કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર, આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે મહિન્દ્રા અગ્રવાલ કે જેઓ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, એકવાર કૃત્રિમ વરસાદ કરવામાં આવશે તો એનસીઆરના આજુબાજુના વિસ્તારને લગભગ એક અઠવાડિયા સુધી રાહત મળી શકે છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ચાર દિવસથી ‘ગંભીર’ શ્રેણીમાં છે.

એક અહેવાલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે, આઈઆઈટી પાંચ વર્ષથી કૃત્રિમ વરસાદ પર કામ રહી છે અને આ વર્ષે જુલાઈમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  જો કે, કૃત્રિમ વરસાદ કરવા માટે, ખાસ હવામાન પરિસ્થિતિઓ જરૂરી છે. જેમ કે વાદળો પૂરતા પ્રમાણમાં ભેજ સાથે હાજર હોય છે અને યોગ્ય પવન પણ હોવો જરૂરી છે. શિયાળાની શરૂઆતમાં આ તકનીક કેમ અને કયા સ્તરે મદદ કરી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *