સજા પૂરી થયા બાદ મહિલાનો યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે
વોશિંગ્ટન
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઝેરીલો પત્ર (રિસિન એટલે સાયનાઇડ કરતાં વધુ શક્તિશાળી ઝેરવાળો) મોકલવાના કેસમાં 56 વર્ષની કેનેડિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર જિલ્લા ન્યાયાધીશ ડબ્ની ફ્રેડરિકે 56 વર્ષીય પાસ્કેલ ફેરિયરને 22 વર્ષની જેલની સજા ફટકારી છે. તેની સજા પૂરી થયા બાદ તેને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવશે. ન્યાયાધીશ ફ્રેડરિકે મહિલાને કહ્યું હતું કે તેની આ હરકત સમાજ માટે ઘાતક અને નુકસાનકારક છે.
મીડિયા રિપોર્ટ્સ કહે છે કે પાસ્કેલ ફેરિયર પાસે ફ્રાન્સ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. ફેરિયરે કોર્ટને કહ્યું હતું કે તે પોતે દિલગીર છે કે તેની આ યોજના નિષ્ફળ ગઈ હતી. તે પોતાની જાતને એક સમાજિક કાર્યકર તરીકે જુએ છે, પોતે આતંકવાદી નહીં. ફેરિયરની સપ્ટેમ્બર 2020 માં બફેલો, ન્યૂ યોર્કમાં સરહદ પાર કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેણી પાસે બંદૂક, ચાકુ અને દારૂગોળો હતો.
2014માં મિસિસિપીના એક માણસને તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય અધિકારીઓને રિસિન-લેસ્ડ પત્રો મોકલવા બદલ 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.