બેંગલુરૂની 45 શાળાને બોમ્બથી ઊડાડવાની ધમકી, શાળાઓ ખાલી કરાવાઈ

Spread the love

પોલીસે શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી

બેગલુરૂ

ભારતમાં આઈટી સેક્ટરના હબ ગણાતા બેંગલુરુ શહેરમાં એક-બે નહીં પણ 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા હતા જેના કારણે આજે પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા અને ત્યાર પછી શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી. પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી. એક સાથે 45 શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બની ધમકી આપવાનો અર્થ એ થયો કે કોઈએ દહેશત ફેલાવવા માટે મોટા પાયે કાવતરું ઘડ્યું છે.

બેંગલુરુના પોલીસ કમિશ્નર બી દયાનંદે જણાવ્યું કે ઘણી એન્ટી-સબોજેટ ટીમને તપાસ કરવા માટે સ્કૂલોમાં મોકલવામાં આવી છે. તેમને કોઈ વાંધાજનક ચીજ મળી નથી. અત્યારે એવું લાગે છે કે માત્ર ગભરાટ ફેલાવવા બોગસ મેસેજ કરાયો છે. અમે ટૂંક સમયમાં આખું સર્ચ ઓપરેશન પૂરું કરીશું. મારી પેરન્ટ્સને વિનંતી છે કે તેમણે ગભરાવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે ગયા વર્ષે પણ કેટલાક તોફાની તત્ત્વોએ શહેરની ઘણી શાળાઓને આ રીતે મેસેજ કર્યા હતા. કેટલીક શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને નજીકના ખુલ્લા મેદાનમાં મોકલી દીધા હતા જ્યારે બીજી કેટલીક શાળાઓએ વાલીઓને બોલાવીને બાળકોને ઘરે મોકલી દીધા હતા.

આ પ્રકારના ધમકીભર્યા મેસેજના કારણે બેંગલુરુની 40થી વધુ શાળાઓમાં દહેશત અને અંધાધૂંધીનો માહોલ છવાઈ ગયો હતો. શાળાઓના સ્ટાફને મેઈલ મળ્યો હતો કે તમારી શાળામાં વિસ્ફોટકો ગોઠવવામાં આવ્યા છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવાકુમારે બેંગલુરુમાં એક શાળાની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ જાણી હતી. તેમણે કહ્યું કે ટીવી પર આ સમાચાર જોયા પછી મને ચિંતા થઈ હતી. મારા ઘરની નજીકની એક શાળાનું પણ તેમાં નામ હતું. પોલીસે મને ઈમેઈલ દેખાડ્યો છે જેમાં આ ધમકી આપવામાં આવી હતી. મેં પોલીસ સાથે વાત કરી છે, પરંતુ આપણે સાવધાન રહેવાની જરૂર છે. વાલીઓએ ચિંતિત થવાની જરૂર નથી.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવી ધમકી આપનારા તત્ત્વોને 24 કલાકની અંદર પકડી લેવામાં આવશે. સાઈબર ક્રાઈમ પોલીસ આ બાબતમાં એક્ટિવ છે અને તેઓ પોતાનું કામ કરે છે. છતાં આપણે કોઈ બેદરકારી રાખવી ન જોઈએ.

બેંગલુરુ જેવા શહેરની શાળાને આ રીતે ધમકીઓ મળી તેને કેટલાક લોકો રાજકીય દૃષ્ટિથી પણ જોઈ રહ્યા છે જેના કારણે આ મુદ્દે કોંગ્રેસ સરકાર પર દબાણ વધશે તેવું લાગે છે. આજે સવારથી જ બેંગલુરુમાં વાલીઓ માટે દોડધામ વધી ગઈ હતી કારણ કે એક પછી એક શાળા દ્વારા જાહેરાત થવા લાગી હતી કે તેમને બોમ્બની ધમકી મળી છે. આખા શહેરમાં પોલીસ તંત્રે શાળાઓમાં પહોંચીને તપાસ કરવી પડી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *