કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી

મનીલા
ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્યું કે આ ભૂકંપ એક આફ્ટરશોક હોઈ શકે છે. અગાઉ બે દિવસમાં ફિલિપાઈન્સમાં અનેક ભૂકંપ આવ્યા હતા.
આ ભૂકંપ સવારે 4 વાગ્યાથી ઠીક પહેલા મિંડાનાઓ ટાપુના હિનાટુઆન નગરપાલિકાથી લગભગ 72 કિ.મી. ઉત્તર પૂર્વમાં 30 કિ.મી. ઊંડેથી આવ્યું હતું. આ ઉપરાંત રવિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને શનિવારે એ જ વિસ્તારમાં 7.6ની તીવ્રતાનો ભારે ભરખમ ભૂકંપ આવ્યો હતો. તેના પછી સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી.
રિંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે જેમાં અનેક દેશો આવેલા છે. આ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે. રિંગ ઓફ ફાયરમાં અનેક દેશોની ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા પર ચઢી જાય છે. આ જ કારણે ભૂકંપ આવતા રહે છે. ફિલિપાઈન્સ પણ રિંગ ઓફ ફાયરમાં આવે છે.