હમાસ-હિઝબુલ્લાહના હુમલા સહન કરી રહેલા ઈઝરાયલની મુશ્કેલી વધી જશે
ગાઝા
ગાઝા પર ભીષણ બોમ્બમારા વચ્ચે ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. ઈરાન સમર્થિત સંગઠન હૈથીઓએ એલાન કર્યું છે કે તેના લડાકૂઓ ગાઝાનો બદલો લેવા માટે ગમે તે હદ વટાવી શકે છે. એટલા માટે તે હમાસની મદદ કરવા ગાઝા પહોંચી રહ્યા છે. જો એવું થશે તો હમાસ-હિઝબુલ્લાહના હુમલા સહન કરી રહેલા ઈઝરાયલની મુશ્કેલી વધી જશે.
ઉલ્લેખનીય છે કે રાતા સમુદ્રમાં હૈથી લડાકૂઓ પહેલાથી જ અનેક માલવાહક જહાજોને નિશાન બનાવીને ઈઝરાયલને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના લીધે અમેરિકાને પણ ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સૌની પાછળ ઈરાનનું હાથ મનાય છે. ઈરાન મધ્યપૂર્વના દેશોમાંથી અમેરિકાના દબાદબાનો અંત લાવી દેવા માગે છે.
આ દરમિયાન અમેરિકાને નુકસાન પહોંચાડવા અને તેના દબાદબાને ખતમ કરવા રશિયા તથા ચીન ઈરાનના સમર્થનમાં છે. તેમના જ હથિયારોની મદદથી હૌથીઓ આક્રમક હુમલા કરી રહ્યા છે. એટલે કે ગાઝામાં શરૂ થયેલું યુદ્ધ હવે રાતા સમુદ્રમાં ભીષણ સંઘર્ષની સ્થિતિ સર્જી શકે છે જેની લપેટમાં આવતા સમગ્ર અરબ દેશોને નુકસાન થશે.
વિશ્વનો 10 ટકા વેપાર રાતા સમુદ્રના રુટ પર થાય છે. ઓઈલની અવર-જવર કરવા માટે આ સૌથી મોટો માર્ગ છે. 50 ટકા ટેન્કર જહાજો આ માર્ગ પરથી પસાર થાય છે. ગ્લોબલ ડિમાંડનું 10 ટકા ઓઈલ લઈને આ જહાજો રાતા સમુદ્રમાંથી જ પસાર થાય છે. હવે હૌથીઓના હુમલાને કારણે શિપિંગ કંપનીઓ રસ્તો બદલવા મજબૂર છે.
રૂટ બદલવાના કારણે ઓઈલ કંપનીઓ પર વધારાના ભાડાનો બોજ પડી રહ્યો છે, જેના કારણે ઓઈલના ભાવ વધવા લાગ્યા છે, પરંતુ ખતરો માત્ર આ રૂટ પર જ નહીં પરંતુ આફ્રિકાના રૂટ પર પણ છે. ત્યાં સોમાલિયન લૂંટારાઓનો આતંક છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓએ પ્રિમિયમમાં અનેક ગણો વધારો કરી દીધો છે.
અમેરિકા એ 10 ઓઈલ નિકાસકાર દેશોને હૌથીઓ પર સકંજો કસવા કહી રહ્યું છે, જેમને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ હૌથીના વલણથી એવું લાગે છે કે તે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાના મૂડમાં નથી. કારણ કે નિર્ણય ઈરાન લેશે. ઈરાન કોઈપણ ભોગે અમેરિકાને મધ્ય પૂર્વમાંથી બહાર કાઢવા માંગે છે. આ જ કારણ છે કે હવે ઈરાનના ઈશારે હૌથીઓએ રાતા સમુદ્રમાં માઈન્સ પાથરી દીધી છે. બ્રિટન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈરાનના ઈશારે જ મોટા હુમલાની તૈયારીઓ થઈ રહી છે. રશિયા-ચીન દ્વારા હથિયારોનો જથ્થો પહેલાથી જ સપ્લાય કરી દેવાયો છે.