અમદાવાદ
એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એસએજીના સહયોગથી રમાતી આઈટીએફ વિમેન્સ ટેનિસમાં વિદેશી સહિત કેટલીક ભારતીય ખેલાડીઓએ પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ૧૬ વર્ષીય માયા રેવાઠીએ ગુજરાતની ટેલેન્ટેડ ખેલાડી ખુશાલી મોદી સામે પાવરફૂલ સર્વિસ અને આક્રમક બેઝલાઇન ગેમ રમીને ૬-૨, ૬-૩ના સ્કોરથી હરાવી હતી. ટોચનો ક્રમાંક ધરાવતી રશિયાની ટોશિનાએ રાચપુડીને ૬-૩, ૬-૦થી, બ્રિટનની જે. માતોસ ફર્નાન્ડેઝે રશિયાની એમ. મિખાઇલોવાને ૬-૨, ૬-૨થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
અમદાવાદની ઝીલ દેસાઈએ એસ. રોન્ડેને કોઈ મુશ્કેલી વિના ૬-૨, ૬-૦થી હરાવી હતી. જાપાનની કોબાયાસીએ ભારતની યશસ્વીની પનવર સામે પ્રથમ સેટમાં થોડોક સંઘર્ષ કર્યા બાદ મુકાબલો ૭-૫, ૬-૦થી જીતી લીધો હતો. જાપાનીઝ ખેલાડીએ શાનદાર ફૂટવર્ક તથા બેઝલાઇન ગેમ રમીને હરીફ ખેલાડીને સતત દબાણમાં રાખી હતી. અન્ય મુકાબલામાં લક્ષ્મી પ્રભાએ એસ. પાટિલને ૧-૬, ૬-૩, ૬-૧થી, રશિયાની વાલેરિયા મોન્કોએ એમ. સાવંતને ૬-૧, ૬-૨થી, ભારતની અદકરે અમેરિકાની પ્રિયંકા રાણાને ૬-૧, ૬-૦થી, ડેનમાર્કની ઈ. જામશિડીએ નેપાળની એ. બિસ્તાને ૬-૧, ૬-૦થી, પી. પાઠકે રાજમોહનને ૬-૩, ૬-૩થી, પૂજા ઇંગ્લેએ પનાલીવેલીને ૬-૨, ૬-૨થી તથા એડી નિત્તુરે પ્રિયાંશી ભંડારીને ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો.