અગ્રણી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી અને એન્જિનિયરિંગ કંપની RITES લિમિટેડ અને ડીપી વર્લ્ડે ટ્રેડ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવાના સહયોગ માટે સંભવિત તકોની ખોજ કરવા એક પરિવર્તનકારી એમઓયુ કર્યાની જાહેરાત કરી હતી. આ એમઓયુનો ઉદ્દેશ પોર્ટ્સ, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ, ફ્રી ટ્રેડ ઝોન, રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીઝ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં સંયુક્ત તકોની ખોજ કરીને દ્વિપક્ષી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
મુંબઈમાં ‘સીઈઓ કનેક્ટઃ દુબઈ-ઈન્ડિયા ઇકોનોમિક સંબંધો અને તકો’ફોરમ ખાતે દુબઈના ક્રાઉન પ્રિન્સ અને નાયબ વડાપ્રધાન તથા યુએઈના સંરક્ષણ પ્રધાન માનનીય શેખ હમદન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૌમ, ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલ અને ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન તથા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુલ્તાન એહમદ બિન સુલાયેમ તેમજ RITES લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ મિથલની હાજરીમાં આ એમઓયુ કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 2024માં શરૂ કરાયેલ વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર (વીટીસી) નેRITES સાથે વિકસાવાયેલા ડિજિટલ પ્લેટફોર્મ MAITRI દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર બંને રાષ્ટ્રો વચ્ચે વેપારને સરળ અને વેગ આપવા માટે કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ અને નિયમનકારી પ્રક્રિયાઓને એક જસરળ ડિજિટલ સિસ્ટમમાં એકીકૃત કરે છે. તેની શરૂઆતથીભારત અને યુએઈમાં વ્યૂહાત્મક વર્કશોપના પગલે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી ન્હાવા શેવા, દીનદયાલ અને જેબલ અલીનો નોડલ પોર્ટ્સ તરીકે ઉપયોગ કરીને વીટીસીના પ્રૂફ ઓફ કન્સેપ્ટને વધારવાનો માર્ગ મોકળો થયો છે.
RITES લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ મિથલે જણાવ્યું હતું કે “આ સમાન વિચારો ધરાવતા એકમોનું જોડાણ છે જે અનુભવ, નિપુણતા અને સમૃદ્ધ વારસો લાવે છે. અમારી સહિયારી શક્તિઓ અને સંસાધનોનો લાભ લઈને અમે મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પરિવર્તનકારી જોડાણો રચવા માટે સજ્જ છીએ જે સમગ્ર ગ્લોબલ લોજિસ્ટિક્સ પહેલમાં ઓપરેશનલ ઉત્કૃષ્ટતામાં નવા સીમાચિહ્નો સ્થાપશે.”
ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુલતાન બિન સુલાયેમે જણાવ્યું હતું કે “RITES લિમિટેડ સાથેની આ ભાગીદારી ભારત અને યુએઈ વચ્ચે વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વધારવા માટેની અમારી સફરમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. જાહેર-ખાનગી સહયોગ અને અમારી સંયુક્ત નિપુણતાની શક્તિનો લાભ લઈને અમે સ્થિતિસ્થાપકતા લાવે તથા સૌના માટે તકો ઊભી કરે તેવા વૈવિધ્યસભર વેપાર માર્ગોનું નિર્માણ કરતા ટ્રેડ કોરિડોરના વિકાસ માટે નવીનતા અને કાર્યક્ષમતા લાવીશું.”
આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં RITES ની કુશળતા અને ડીપી વર્લ્ડના વિશ્વસ્તરીય પોર્ટ્સ, ફ્રી ઝોન અને સ્માર્ટ એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સના વ્યાપક પોર્ટફોલિયોનો લાભ લેવાનો છે જેથી મજબૂત અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવી શકાય જે વૈશ્વિક અવરોધોથી વેપારને સુરક્ષિત રાખશે.