પત્રકાર દક્ષેશ પાઠકે આ પુસ્તક લખવાનું કાર્ય કઈ રીતે મળ્યું, તેમાં કેવા પડકારોનો સામનો કર્યો એ તમામ વાતો સ્પોટર્સના પત્રકારો સાથે વાગોળી
અમદાવાદ
ગુજરાતના અગ્રણી પત્રકાર અને વર્ષોથી ગુજરાત સમાચાર અને gstv સાથે સંકળાયેલા દક્ષેશ પાઠકે ભારતના મહાન વિકેટકીપર અને ૧૯૮૩ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના ટોચના પ્લેયર સઈદ કિરમાણીની વિશ્વવિખ્યાત પ્રકાશક પેંગ્વિન દ્વારા પ્રકાશિત અંગ્રેજી ઓટોબાયોગ્રાફી STUMPED – LIFE BEHIND AND BEYOND THE 22 YARDS પુસ્તકના Co-author તરીકે લખી છે, જે રેકોર્ડ બેસ્ટ સેલર બની છે. આ પુસ્તક લખવાની સમગ્ર તક, પ્રક્રિયા અને સફળતા વિશે ગુજરાતના અગ્રણી સ્પોર્ટ્સ જર્નલિસ્ટસ સાથે સૌની ઈચ્છા અનુસાર તેમના નિવાસસ્થાને વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં તેમણે કિરમાણી સાથેની બાળપણની પ્રથમ મુલાકાતથી લઈને પત્રકાર તરીકે તેમના ઇન્ટરવ્યુઝ અને ૨૦૧૯માં કિરમાણી દ્વારા તેમને આ પુસ્તકના સહ-લેખક તરીકેના આમંત્રણ, ૬ વર્ષ સુધી દિવસ – રાત લગભગ ૩૦૦ જેટલી ઓનલાઇન અને અમદાવાદ – બેંગલોરમાં અનેક રૂબરૂ મુલાકાતો, એડિટીંગ, ૪૦ જેટલા વિશ્વ વિખ્યાત મહાન ક્રિકેટરો ના દુનિયાભરમાં ઓન લાઇન અને રૂબરૂ ઇન્ટરવ્યુઝ અને બુકના વિચારથી લોન્ચ સુધીની સેંકડો કલાકોની રિસર્ચ અને એક્સરસાઇઝ અને પડકારોની સાથે ૫૦થી વધુ દેશોના ૮૫ જેટલા મીડિયામાં કવરેજની વાત કરી હતી.
આ બુક બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર ૭ અલગ અલગ દસકામાં રમેલા મહાન ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભગવત ચંદ્રશેખર, એરાપલ્લિ પ્રસન્ના, બ્રિજેશ પટેલ, કપિલ દેવ, કિરમાણી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વી વી એસ લક્ષ્મણ, ઇન્ફોસિસ ચેરમેન નારાયણ મૂર્તિ, કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ઇલેક્ટ્રોનિક અને આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, કર્ણાટક અને હૈદરાબાદના ટોચના રણજી પ્લેયર્સ, અગ્રણી નાગરિકો વગેરેનો સમાવેશ થતો હતો. આ પુસ્તકની વિશેષતા એ છે કે એક જ પુસ્તકમાં ઓટોબાયોગ્રાફી અને બાયોગ્રાફી એમ બંને છે, જેમાં કિરમાણીની ઓટોબાયોગ્રાફી હાર્વર્ડ સ્કોલર અને અત્યારે લંડનની પ્રખ્યાત પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીના સિનિયર મેનેજમેન્ટ ફેકલ્ટી ડૉ. દેબાશીષ સેનગુપ્તાએ એડિટ કરીને લખી છે જ્યારે સમગ્ર પાર્ટ – ૨ બાયોગ્રાફી દક્ષેશ પાઠકે લખી છે. આ બુક લોન્ચ થયાના રેકોર્ડ ૧ કલાકમાં બેસ્ટ સેલર બની ગઈ હતી અને માત્ર ૧૫ દિવસમાં તમામ પ્રતો વેચાઈ ગયા બાદ out of stock થઈ ગઈ હતી, જેની નવી પ્રતો એપ્રિલના અંતમાં પુનઃ પ્રાપ્ય બનશે. ગુજરાતના અગ્રણી પત્રકારો, ભૂતપૂર્વ ક્રિકેટરો અને એડમિનિસ્ટ્રેટર્સ સાથેની આ અનૌપરાચિક સેલિબ્રેશન મિટિંગમાં ભવેન કચ્છી, તુષાર ત્રિવેદી, હિતેશ પટેલ (પોચી), નરેન્દ્ર પંચોલી, રામકૃષ્ણ પંડિત, જગત પટેલ, પ્રશાંત પટેલ, શૈલેષ નાયક, પ્રવીણ આહિર, હિમાંશુ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે Co – author દેબાશીષ સેનગુપ્તાએ લંડનથી ઓનલાઇન જોડાઈને આ રસપ્રદ યાત્રા વિશે વાત કરી હતી.


