બોયૂઝમાં કનિષ્ક જીત્યો ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતને મિશ્રિત પરિણામ મળ્યા, ડિમિટ્રી બાસ્કોવનો પણ વિજય
અમદાવાદ
એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એક લાખ રૂપિયાની પ્રાઈઝમનીવાળી મોલ્કેમ આઇટા ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ ૧૬માં ગુજરાતની ખુશાલી મોદી અને વિધી જાનીએ પોતપોતાના મુકાબલા જીત્યા હતા. ચેવિકા સામાએ ગુજરાતની પિયા મિસ્ત્રીને ૬-૪, ૬-૦થી હરાવી હતી. એસ ટેનિસ એકેડેમીની સ્થાનિક ખેલાડી ખુશાલી મોદીએ ગુજરાતની અન્ય એક ખેલાડી ટ્વિશા નંદનકરને ૬-૧,૬-૧થી તથા ત્રીજી ક્રમાંકિત અમદાવાદની વિધી જાનીએ મહારાષ્ટ્રની એલમૈઇડા આન્દ્રે સામે પ્રથમ સેટમાં થોડોક સંઘર્ષ કર્યા બાદ ૭-૫, ૬-૪થી વિજય હાંસલ કર્યો હતો. દિલ્હીની તેજસ્વી ડાબાસ સામે ગુજરાતની આઠમી ક્રમાંકિત માહી ત્રિવેદીનો ૬-૦, ૬-૧થી તથા આડિરાજ સામે પ્રભુદેસાઈનો ૭-૫, ૬-૧થી પરાજય થયો હતો. રાજસ્થાનની સાતમી ક્રમાંકિત સુહાની ગૌરે જિતેશ કુમારીને પ્રથમ સેટ હાર્યા બાદ ૦-૬, ૬-૩, ૭-૬ (૭)થી પાંચમી ક્રમાંકિત દિવ્યા શર્માએ ક્વોલિફાયર વારાનસીને ૬-૨, ૬-૩થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
બોયુઝ કેટેગરીમાં ટોચનો ક્રમાંક ધરાવતા ૩૯ વર્ષીય વીએમ રણજીતે ગુજરાતના સ્થાનિક ખેલાડી તીર્થ દોશી સામે સંઘર્ષ કર્યા બાદ ૬-૭ (૫), ૬-૦, ૬-૦થી પરાજય આપ્યો હતો. અન્ય મુકાબલામાં એસ ટેનિસ એકેડમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે મહારાષ્ટ્રના અનમોલ નાગપુરેને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૦, ૬-૩થી હરાવ્યો હતો. અન્ય એક રોમાંચક મેચમાં દેવ સિન્હા સામે ગુજરાતના કનિષ્ક જેટલીએ ૬-૩,૪-૬, ૬-૧થી વિજય હાંસલ કરીને પોતાની આગેકૂચ જારી રાખી હતી.

