દેશમાં કુલ 96.88 કરોડ મતદાતા, 49.7 કરોડ પુરૂષ, 47.1 કરોડ મહિલા

Spread the love

1.41 મહિલા જ્યારે 1.22 કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે

નવી દિલ્હી

દેશમાં લોકસભા ચૂંટણીઓની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે. આ સાથે ચૂંટણી પંચે દેશમાં કુલ કેટલા મહિલા, પુરુષ અને યુવા મતદારો છે, તે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં રજીસ્ટર્ડ મતદારોના આંકડા જાહેર કર્યા છે. પંચના જણાવ્યા મુજબ આગમી લોકસભા ચૂંટણી માટે 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ છે.

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારોની યાદી જાહેર કરી દીધી છે. પંચે એક જાન્યુઆરી-2024 સુધીના આંકડા જારી કર્યા છે. દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો રજીસ્ટર્ડ છે. વિશ્વભરમાંથી સૌથી વધુ ભારતમાં મતદારોનો વર્ગ છે. 2019માં આ આંકડો 89.6 કરોડ હતો.

દેશમાં પુરુષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં 46.5 કરોડ હતા. જ્યારે મહિલા મતદારો 47.1 કરોડ છે, જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદારોની યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારો પ્રથમવાર લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાગીદાર બનશે. આમાંથી 1.41 મહિલા જ્યારે 1.22 કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આમ નવા પુરુષોના મુકાબલે નવી મહિલા મતદારોની સંખ્યા 15 ટકા વધુ છે.

ચૂંટણી પંચના ડેટા મુજબ દેશમાં 18-19ની ઉંમરના 1.85 કરોડ યુવા મતદારો છે, જે ગત ચૂંટણીમાં 1.5 કરોડ હતા. 18-19 અને 20-29ની ઉંમરના બે કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. દેશભરમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા 88.35 લાખ છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં 45.64 લાખ પીડબલ્યુડી મતદારો હતા. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 48,044 નોંધાઈ છે, જે ગત વર્ષે 39.683 હતા.

ચૂંટણી પંચે જણાવ્યું કે, ઘરે-ઘરે પહોંચી વેરિફિકેશન કરાયા બાદ મૃત્યુ પામેલ, સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ યાદીમાંથી કઢાયા છે, જે આંકડો 1,65,76,654 નોંધાયો છે. આમાં 67,82,642 મૃતક મતદારો, 75,11,128 સ્થળાંતર અથવા ગેરહાજર મતદારો જ્યારે 22,05,685 ડુપ્લિકેટ મતદારો સામેલ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *