વિશ્વ 50 વર્ષ બાદ કોઈ સ્થળ પર આ પ્રકારના ભીષણ બોમ્બમારાને જોઈ રહયું છે
તેલ અવીવ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભીષણ રૂપ ધારણ કરી દીધુ છે. ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવી રહેલી હવાઈ અને જમીની કાર્યવાહીએ તાજેતરના દાયકાઓમાં થયેલા યુદ્ધોની તબાહીને પાછળ છોડી દીધી છે. ઈઝરાયેલે ગાઝા પર જે બોમ્બમારો કર્યો છે તે આ યુદ્ધને વિયેતનામ યુદ્ધ નજીક લઈ જઈ રહ્યું છે. ઈઝરાયેલે ગાઝા પર 900 કિલો સેંકડો બોમ્બ ઝિંક્યા છે જેનો ઉપયોગ વિયેતનામ બાદ ક્યાંય જોવા નથી મળ્યો. વિશ્વ 50 વર્ષ બાદ કોઈ સ્થળ પર આ પ્રકારના ભીષણ બોમ્બમારાને જોઈ રહી છે. બીજી તરફ મોતના મામલે પણ આ યુદ્ધ ભયાવહ સાબિત થયુ છે. હાલના વર્ષોમાં કોઈ પણ યુદ્ધમાં આટલી મોટી સંખ્યામાં મોત નથી થયા.
ગાઝામાં યુદ્ધના પહેલા મહિનામાં ઈઝરાયેલે સેંકડો મોટા બોમ્બ ઝિંક્યા હતા. તેમાંથી ઘણા 1,000 ફૂટથી વધુના અંતરે લોકોને મારવામાં સક્ષમ હતા. યુદ્ધના શરૂઆતના દિવસોની સેટેલાઈટ ઈમેજરીથી જાણવા મળ્યું કે, 40 ફૂટનું માપ ધરાવતા 500થી વધુ ખાડા છે. જે 2,000 પાઉન્ડ બોમ્બના કારણે બન્યા છે. ઈરાકના મોસુલમાં યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા આઈએસઆઈએસ પર ફેંકવામાં આવેલા સૌથી મોટા બોમ્બ કરતાં આ ચાર ગણા વધુ ખતરનાક છે. અમેરિકાએ આઈએસઆઈએસ વિરુદ્ધ પોતાની લડાઈ દરમિયાન માત્ર એક જ વાર 2,000 પાઉન્ડનો બોમ્બ ફેંક્યો હતો.
હથિયાર અને યુદ્ધ નિષ્ણાત વધી રહેલા મોત માટે 2,000 પાઉન્ડના બોમ્બ જેવા ભારી હથિયારોના વ્યાપક ઉપયોગને જવાબદાર ઠેરવે છે. ગાઝામાં ગીચ વસતી છે એટલા માટે આ પ્રકારના ભારી હથિયારોના ઉપયોગની ખૂબ જ અસર થાય છે. ડી-સી આધારિત સમૂહ સીઆઈવીઆઈસીના કાયદાકીય એક્સપર્ટ જોન ચેપલે કહ્યું કે, ગાઝા જેવા ગીચ વસતી વાળા ક્ષેત્રમાં 2,000 પાઉન્ડના બોમ્બનો ઉપયોગ અર્થ એ છે કે, અહીંના લોકોને આમાંથી બહાર આવતા દાયકાઓ લાગી જશે.