રબાડાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13મી વખત રોહિત શર્માને આઉટ કર્યો જ્યારે ટિમ સાઉથીએ 12 વખત રોહિતને આઉટ કર્યો છે
નવી દિલ્હી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 8 વિકેટના નુકસાને 208 રન હતો. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને 5 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. રોહિતની આ વિકેટની સાથે રબાડા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર બની ગયો છે. તેણે ન્યુઝીલેન્ડના ટીમ સાઉથીનો રેકોર્ડ તોડી દીધો છે.
સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દ્વારા રબાડાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13મી વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. જ્યારે ટિમ સાઉથીએ 12 વખત રોહિતને આઉટ કર્યો છે. આ લીસ્ટમાં શ્રીલંકાના એન્જેલો મૈથ્યુઝ ત્રીજા સ્થાને છે. મૈથ્યુઝે કુલ 10 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. જ્યારે રબાડાએ ટેસ્ટમાં છઠ્ઠી વખત રોહિત શર્માની વિકેટ લીધી હતી. આ રીતે રબાડા હિટમેન માટે પડકારરૂપ સાબિત થાય છે.
ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ દ્વારા રોહિત શર્મા પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યો હતો. વનડે વર્લ્ડ કપ2023 બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20I સિરીઝ રમી હતી. તે પછી સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમે 3-3 મેચની T20I અને ODI સિરીઝ રમી હતી. આ તમામ સિરીઝમાં રોહિત ભારતીય ટીમનો ભાગ ન હતો. સૂર્યકુમાર યાદવે T20I અને કે.એલ રાહુલે ODIમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી.