મૈને એ બીજું રાજ્ય છે જેણે અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો
વોશિંગ્ટન
કોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૈને રાજ્યમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. મૈનેના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યના પ્રાયમરી બેલેટથી અયોગ્ય જાહેર કરી દીધા છે.
મૈને એ બીજું રાજ્ય છે જેણે 6 જાન્યુઆરી, 2021 ના રોજ અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મૈનેના સેક્રેટરી ઓફ સ્ટેટ શેનાઈ બેલોસે આ મામલે કહ્યું કે 2024માં રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં છેતરપિંડી મામલે જુઠ્ઠાં દાવા ફેલાવીને વિદ્રોહ ભડકાવ્યો અને પછી પોતાના સમર્થકોને સાંસદો વોટ પ્રમાણિત કરવાથી રોકવા માટે અમેરિકી કેપિટલ પર કૂચ કરવા આગ્રહ કર્યો. ટ્રમ્પ પર આ કાર્યવાહી અમેરિકી બંધારણની વિદ્રોહ કલમ હેઠળ કરાઇ છે.
આ નિર્ણય ત્યારે સામે આવ્યો જ્યારે મૈનેના પૂર્વ સાંસદોના એક સમૂહે માગ કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણની એ જોગવાઈના આધારે અયોગ્ય જાહેર કરવામાં આવે જે લોકોને અમેરિકામાં કોઈ બંધારણીય પદની શપથ લીધા બાદ વિદ્રોહ કે વિદ્રોહમાં સામેલ થવા પર ફરીવાર આ પદ પર સંભાળતા રોકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ મૈને સેક્રેટરી ઓફ સ્ટેટના આ નિર્ણય વિરુદ્ધ રાજ્યની સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે.