કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો
પ્યોંગયાંગ
ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
ઉત્તર કોરિયામાં સત્તાધારી પાર્ટીની પાંચ દિવસની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 2024માં વધુ 3 સૈન્ય જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. ગત નવેમ્બરમાં જ ઉ.કોરિયાએ તેમના પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું.
કિમ જોંગ ઉને ઉ.કોરિયાઈ સૈન્યના કમાન્ડિંગ ઓફિસર સાથે બેઠક યોજી હતી. જેમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓ મજબૂત કરવામાં આવે. આપણા સૈન્યએ તમામ જરૂર પગલાં ભરીને આપણી વિરુદ્ધ કાર્યવાહી કરનારા દેશોને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવે અને આવું કરતાં આપણા સૈન્યએ જરાય ખચકાવાની જરૂર નથી.