કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કરાયા, રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ
ગાંધીનગર
બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે. આજ રાતે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જતી આવતી 273 ટ્રેનો રદ, રેલવેએ વાવાઝોડાના કારણે સલામતીના પગલે નિર્ણય લેવામાં આવ્યો.
દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કર્યા છે. દરિયામાં ભારે કરંટ હોવાથી આ તમામ લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ, ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડા તાલુકામા બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ થયો છે.
પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રહેશે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લામાં 136 નીચાણવાળા સ્થળોએથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં પણ શરુ થઇ વાવાઝોડાની અસર ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.
હવે વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાઈ શકે તેવી શક્યતા છે. આ વાવાઝોડું 680 કિમીમાં ફેલાયેલું છે જેના કારણે તેના વમળો ગુજરાત સાથે અથડાઈ રહ્યા છે.
વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આ કારણે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને ખાલી કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં મેધરાજાએ એન્ટ્રી કરી દીધી છે. જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં ધીમી ધારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે.
વાવાઝોડાના કારણે કેટલીક ફલાઇટો રદ કરાઈ તો કેટલી ફલાઇટને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની પૂનાથી ભાવનગર જતી ફલાઇટ અને ઈન્ડિગોની લખનઉથી મુંબઇ જતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફલાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ભાવનગરના ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ગુજરાતના દરિયા કિનારે તોફાની માહોલ સાથે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર એક્સન મોડમાં જોવા મળી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પીપાવાવ પોર્ટ જેટીની મૂલાકાતે પહોંચ્યા હતા. દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળ બેટની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. એવામાં દ્વારકામાં વાવાઝોડાની અસર વર્તવાની શરુ થઇ ચૂકી છે. દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ચડી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
પોરબંદરના દરિયા કાંઠે વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેની સાથે સાથે ગીર સોમનાથ, કોડિનાર વગેરે વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા કલેક્ટર અને SP સાથે બેઠક કરી. અધિકારીઓ સાથે બેઠક બાદ હર્ષ સંઘવી વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. કલેક્ટરે ડિઝાસ્ટર વિભાગની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા હતી. રૂપેણ બંદર વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. નીચાણવાળા વિસ્તારમાંથી 2500 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયા નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે.
વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય તમામ શાળાઓ અને કોલેજ બંધ. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના બંદરો પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી 3 નંબર સિગ્નલ લગાવ્યું આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબર સિગ્નલ લગાવ્યું છે.
આ વાવાઝોડું 15 જૂનના રોજ લેન્ડફોલ કરી શકે તેવી શક્યતા છે. 15 તારીખે બપોરે આ વાવાઝોડું કચ્છ ખાતે લેન્ડફોલ કરી શકે છે.
એનડીઆરએફની વધુ 2 ટીમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રથી એનડીઆરએફની 2 ટીમ ગુજરાત આવવવા માટે રવાના થઈ છે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં એસડીઆરએફ, એનડીઆરએફની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા એસડીઆરએફ-એનડીઆરએફની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા એનડીઆરએફની 1 ટીમ રિઝર્વ રખાઈ છે.
હાલ બિપરજોય વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વાવાઝોડું પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, તેથી આગામી 24થી 48 કલાકમાં રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખી આ દરિયાકાંઠના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લખાણ છે ત્યાં સુધી વાવાઝોડું પોરબંદરથી 390 કિ.મી., દ્વારકાથી 430 કિ.મી. અને નલિયાથી 520 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ વાવાઝોડું 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને પાકિસ્તાન વચ્ચે વાવાઝોડું ટકરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડું 150 કિમિ પ્રતિ ઝડપે આવે તેવી સંભાવના છે.
અમરેલીમાં ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ ઉપર મોજા ઉછળી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે. માંડવી-જખૌમાં એસડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે તેમજ શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને રાખી તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 12 ટીમો, જ્યારે 2 જિલ્લામાં 3 ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરાયો છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 2-2 ટીમો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. વડોદરામાં 1 અને રાજકોટમાં 2 ટીમ રિઝર્વ રખાઈ છે.