આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો
અમદાવાદ
દેશના છ રાજ્ય અને દિલ્હીમાં છેતરપિંડીના ૩૦થી વધુ ગુના આચરનાર નકલી સીબીઆઈ ઓફિસરને ક્રાઈમબ્રાંચે રખિયાલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી ડુપ્લિકેટ આઈકાર્ડ બતાવી વિશ્વાસ કેળવતો હતો. શ્રીમંત લાગતા હોય તેવા લોકો અને દાગીના વધુ પહેર્યા તેવી મહિલાઓને આરોપીની ગેંગના સભ્યો રોકી સાહેબ, બોલાવતા હોવાની વાત કરતા હતા. આરોપી પાસે મહિલા કે પુરૃષ જાય એટલે તે બેગ ચેક કરવાના બહાને કીંમતી સામાન કાઢી લેતો હતો. પોલીસે આરોપી પાસેથી સીબીઆઈનું ઓળખપત્ર, આધારકાર્ડ, પોલીસ યુનિફોર્મ, પી કેપ, બુટ, મૌજા, બેલ્ટ અને મોબાઈલ ફોન વગેરે કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે, સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ અમદાવાદમાં રખિયાલ ચાર રસ્તા પાસેથી પસાર થવાનો છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને રખિયાલ ચાર રસ્તા પાસેથી ઈકો સ્પોર્ટસ કારમાં પસાર થતાં નકલી સીબીઆઈ અધિકારી સુલતાનખાન અહેમદખાન ખાન (ઉં.૪૪)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને યુનિફોર્મ અને ઓળખકાર્ડ અંગે પૂછતાં તેને જણાવ્યું હતું કે, પોતે સીબીઆઈ ઓફિસર રાજેશ મિશ્રા તરીકે પોતાનું ડુપ્લિકેટ ઓળખકાર્ડ બનાવી તેમાં યુનિફોર્મ પહેરેલો ફોટો લગાવ્યો હતો. આ ઓળખકાર્ડ આધારે તે લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી છેતરતો હતો.
સુલતાનખાન ઉર્ફ રાજેશ મિશ્રા તેની ગેંગના સભ્યો સાથે જુદા જૂદા રાજ્યોમાં કાર લઈને ફરતો હતો. સુલતાનખાન કારમાં બેસી રહેતો અને તેના સાગરિતો શ્રીમંત લાગતા હોય તેવા લોકોને રોકીને જણાવતા સાહેબ, બોલાવે છે. શ્રીમંત લોકોને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી આઈકાર્ડ બતાવતો બાદમાં પોતાના સાગરિતોને બેગ ચેક કરવાનું કહેતો હતો. બેગમાં પડેલો કીંમતી સામાન આરોપીના સાગરિતો કાઢી લેતા અને ફરાર થઈ જતા હતા. આ જ રીતે દાગીના પહેરેલી મહિલાને રોકીને આરોપી સીબીઆઈ અધિકારીની ઓળખ આપી જણાવતો કે, આગળ ખતરો છે. તમારા દાગીના કાઢી પેકેટમાં મુકી દો. આરોપીના સાગરિતો મહિલાને મદદ કરવાના બહાને દાગીના કઢાવી પેકેટમાં મુકવાનો ડોળ કરી પોતાની પાસે રાખતા અને પેકેટ મહિલાને આપી ફરાર થઈ જતા હતા. આ રીતે આરોપીએ દેશના છ રાજ્યો અને પાટનગર દિલ્હીમાં કુલ ૩૦થી વધુ ગુના આચર્યા છે.પોલીસ તપાસમાં નકલી સીબીઆઈ અધિકારી સુલતાનખાન ઉર્ફ રાજેશ મિશ્રા મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના સેંધવા તાલુકામાં રાની કોલોનીમાં રેહેતો હોવાનું જાણવા મળ્યું છે.