મની લોન્ડરિંગના કેસમાં ઈડી દરોડાની કાર્યવાહી, કેસ કયો છે તેને લઇને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
નવી દિલ્હી
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર તથા રાજ્યસભાના સાંસદ એન.ડી.ગુપ્તાના ઘર સહિત કુલ 12 ઠેકાણે ઈડી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે સૂત્રોનું કહેવું છે કે મની લોન્ડરિંગના કેસમાં ઈડી દરોડાની કાર્યવાહી તો કરી રહી છે પણ આ મની લોન્ડરિંગનો કેસ કયો છે તેને લઇને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સત્તાવાર સૂત્રો અનુસાર ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય લોકોના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી. હાલમાં વૉટર બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર ઉપરાંત કેટલાક અન્ય નેતાઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.