જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ
વોશિંગ્ટન
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોઈ માતા-પિતા સામે તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. જૂરીનું માનવું છે કે માતા-પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ.
જેનિફર ક્રમ્બલી (45) 17 વર્ષીય એથન ક્રમ્બલીની માતા છે. એથને 30 નવેમ્બર 2021ના રોજ મિશિગનની ઓક્સફોર્ડ હાઈસ્કૂલમાં સામૂહિક ગોળબારની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં ચાર વિદ્યાર્થી મૃત્યુ પામી ગયા હતા અને 7 ઘવાયા હતા. આ ગુનાનો કેસ જેનિફર સામે ચાલી રહ્યો હતો. તે સમયે એથનની વય ફક્ત 15 વર્ષ હતી.
જેનિફર સામે અનૈચ્છિક હત્યાના ચાર આરોપો લગાવાયા છે. તેમાં દરેકમાં મહત્તમ 15 વર્ષની સજાની જોગવાઈ છે. જેનિફર તમામ કેસમાં દોષીત ઠરી હતી. હવે તેને 15 એપ્રિલે સજા સંભળાવાશે.
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે જ્યારે કોઈ માતા-પિતાને તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ દોષિત ઠેરવાયા હતા. એથનના પિતા જેમ્સ (47) પણ એક અલગ કેસમાં હત્યાના આરોપનો સામનો કરી રહ્યા છે. એથન હાલ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે.
ફરિયાદ પક્ષનો દાવો છે કે જો માતા-પિતાએ ધ્યાન આપ્યું હોત તો ગોળીબારની ઘટનાને રોકી શકાઈ હોત. માતા-પિતા સ્કૂલ તંત્રને વાકેફ કરાવી શક્યા હોત કે તેમણે દીકરાને ભેટમાં બંદૂક આપી છે. જોકે જેનિફરના વકીલોનું તર્ક છે કે તેમના અસીલ સામે ખોટા આરોપો મૂકાઈ રહ્યા છે. તેમના દીકરાના કૃત્યો બદલ તેમને જવાબદાર ન ઠેરવી શકાય. આ કેસ બાળકોના માતા-પિતા માટે અત્યંત ઘાતક સાબિત થશે.