ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ 15થી 18મી જૂન દરમિયાન ભરૂચમાં જીએનએફસી બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે જેમાં સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહેશે. ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટને એસ એન્ડ આર ક્લબ જીએનએફસીનો સહકાર મળેલો છે.
આ ઇવેન્ટ સાથે ભરૂચ લગભગ 12 વર્ષના લાંબા ગાળા બાદ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સાક્ષી બનશે. છેલ્લે 2011માં ભરૂચમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
આ ટુર્નામેન્ટ માટે 614 એન્ટ્રી મળી છે પરંતુ સૌની નજર ચિત્રાક્ષ ભટ્ટ, રાધાપ્રિયા, બુરહાનુદ્દીન માલુભાઈ, નામના જયસ્વાલ અને પ્રાથા પવાર જેવા ખેલાડીઓ પર રહેશે.
જોકે ગુજરાતની નંબર વન ખેલાડી ફ્રેનાઝ છિપીયા આ વખતે ભાગ લઈ શકશે નહીં કેમ કે તે ઇડોનેશિયાના બાલી ખાતે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે. અંડર-19માં ભારતમાં હાલમાં ચોથો ક્રમાંક ધરાવતી ઓઇશિકી જાઓરદર અને સુરતની ફિલઝઆહ ફાતીમા કાદરી પણ ભરૂચની આ ઇવેન્ટ ગુમાવનારી છે.
બીડીટીટીએના સેક્રેટરી બીરેન શાહે જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ યોજવા માટે સજ્જ છીએ. 12 વર્ષ એ લાંબો સમય છે. સફળ પુનરાગમન સાથે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અમે કોઈ કચાશ રાખીશું નહીં.
ક્રમાંકિત ખેલાડીઓઃ મેન્સઃ ચિત્રાક્ષ ભટ્ટ. જુનિયર બોયઝ (અંડર-19) બુરહાનુદ્દીન માલુભાઈ. જુનિયર બોયઝઃ અંડર-17 જન્મેજય પટેલ. જુનિયર ગર્લ્સ (અંડર-17) રિયા જયસ્વાલ. સબ જુનિયર બોયઝ અંડર-15 સુજલ કુકડિયા, સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) મૌબિની ચેટરજી. કેડેટ બોયઝ (અંડર-13) જેનિલ પટેલ, કેડેટ ગર્લ્સ (અંડર-13) દાનિયા ગોદીલ. કેડેટ બોયઝ (અંડર-11) અંશ ખમાર.