આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી
નવી દિલ્હી
રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો તેને સરકારી નોકરી નહીં મળે. આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ નીતિ લગભગ 21 વર્ષ પહેલા પંચાયતની ચૂંટણી માટે ફરજિયાત બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે અને 2 થી વધુ બાળકો ધરાવે છે તેમના માટે આ એક મોટો આંચકો છે.
પૂર્વ સૈનિક રામલાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. રામલાલ જાટ 2017માં નિવૃત્ત થયા હતા અને મે 2018માં તેમણે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ 1989ના નિયમ 24 (4) હેઠળ તેમની અરજી ફગાવી દીધી હતી. આ નિયમ હેઠળ એવી જોગવાઈ છે કે જો ઉમેદવારના 2 કે તેથી વધુ બાળકો હોય તો તે સરકારી નોકરી માટે લાયક ગણાશે નહીં. રામલાલ જાટને 2 થી વધુ બાળકો છે. તેણે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જસ્ટિસ સૂર્યકાન્ત, દીપાંકર દત્તા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે રામલાલ જાટની અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે પંચાયત ચૂંટણી અંગેની સમાન જોગવાઈને સુપ્રીમ કોર્ટે વર્ષ 2003માં યથાવત રાખી હતી. આ અંતર્ગત એવા લોકોની અરજીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમના 2 થી વધુ બાળકો છે. સુપ્રીમ કોર્ટે રામલાલ જાટની અરજીને ફગાવી દેતા કહ્યું કે આ મામલામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ નિર્ણયથી તે લોકોને મોટો ફટકો પડ્યો છે જેઓ રાજ્યમાં સરકારી નોકરી શોધી રહ્યા છે અને જેમના 2 થી વધુ બાળકો છે.